વડનગર સાત વાર તૂટ્યું અને ફરી ઊભું થયું : 2800 વર્ષ પહેલા માનવજીવન કેવું હતું તેનો અહેસાસ કરાવશે આ શહેર
ઉત્તર ગુજરાતનું નગર વડનગર શહેર સાત કાળનું સાક્ષી રહ્યું છે. અહીં ખોદકામ દરમિયાન મળેલ પુરાતન કાળના અવશેષો સતત મળતા રહે છે. ત્યારે આ મ્યૂઝિયમમાં સાત કાળના જુદા જુદા પૌરાણિક અવશેષોને અલગ અલગ ફ્લોર પર અલગ રાખવામાં આવશે. સાત કાળ વાઇસ સાત વિશેષ ફ્લોર તૈયાર કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર એ ઐતિહાસિક નગરી તરીકે જાણીતું છે. વડનગરનો ઇતિહાસ 2800 વર્ષ જુનો છે અને તેના પુરાવા પણ મળ્યા છે. વડનગરના વારસાને ઉજાગર કરવા વડનગરમાં વિશ્વનું બીજા નંબરનું મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમમાં ખોદકામ દરમિયાન મળેલ પ્રાચીન અવશેષો મૂકવામાં આવશે.
વડનગર સાત કાળનું સાક્ષી રહ્યું છે. કહેવાય છે કે, સાત વાર વડનગર તૂટ્યું છે અને ફરી ઊભું થયું છે, ત્યારે આ મ્યુઝિયમ બનતા પર્યટકો વડનગરના પૌરાણિક વારસાને નિહાળી શકશે. દેશ-વિદેશથી લોકો વડનગરની મુલાકાતે આવશે.
વડનગર રેલવે સ્ટેશન ઉપર વિશેષ હેરિટેજ લુક સાથે વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. વડનગર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક તો આપવામાં આવ્યું છે, સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ચા ના સ્ટોલ પર ચા વેચતા તેઓ જ આબેહૂબ એક સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે. તે સ્ટોલનો નંબર પણ એ જ રાખવામાં આવ્યો છે. સાથે સાથે રેલ્વે સ્ટેશન પર 4×4 ની ભગવાન બુદ્ધની પ્રતિમા અને એક ચાની કીટલી મૂકવામાં આવી છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
વડનગર રેલવે સ્ટેશન ઉપર દેશ વિદેશથી આવતા પર્યટકોની સુવિધા માટે ખાસ એક vvip કેન્ટીન (કેફેટેરીયા) બનાવવામાં આવી રહી છે. કેન્ટીનને પણ હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. કેન્ટીનની અંદર પ્રધાનમંત્રી જે સ્ટોલ પર કામ કરતા તેઓ જ પ્લાયવુડનો એક સ્ટોલ અંદર પણ મૂકવામાં આવ્યો છે.