આ છે બરબાદીના દ્રશ્યો! ધોધમાર વરસાદ બાદ વડોદરા સરોવરમાં ફેરવાયું, જાણો કયા કેવું છે નુકસાન
વડોદરામાં ધોધમાર વરસાદ બાદ પુરના પાણીએ શહેરને પોતાના તાંબામાં કરી દીધું હતું. શહેરનો એવો કોઈ વિસ્તાર કે એરિયા નહતો કે જ્યાં પાણી ભરાયેલું ન હતું. પરંતુ હવે જ્યારે પાણી ઓસર્યા છે તો બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે.
શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનોમાં તમામ ફર્નિચર કોહવાઈ ગયું છે. વેપારીને અંદાજિત 12 લાખ જેટલું નુકસાન ગયું છે. તો રાજસ્થંભ સોસાયટીમાં એક એક ઘરને 10 હજારથી લઈ એક લાખ સુધીનું નુકસાન ગયું છે.
વડોદરાની રાજસ્થંભ સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી અહીં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા. આ સોસાયટી અને સોસાયટીના ઘરોમાં અઢીથી ત્રણ ફુટ જેટલા પાણી ભરાયેલા હતા. જેના કારણે સોસાયટી જાણે સરોવર બની ગઈ હતી. કોઈ એવું ઘર બાકી નહતું કે જેમાં પાણી ન હોય. લોકોએ ઘરવખરી બચાવવા માટે ઉંચાઈવાળી જગ્યા પર સિફ્ટ કરી હતી પરંતુ પાણી એટલું હતું કે ઊંચાઈ પર મુકેલો સામાન પણ પલળી ગયો હતો.
વડોદરામાં વરસાદ બાદ મોટા પાયે નુકસાન થયું છે. આ નુકસાનીની સહાય માટે શહેરીજનો માગ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવાની માગણી કરી છે.
સાંસદ જોષીએ માગ કરી છે કે ભારે વરસાદથી લોકોને મોટા પાયે નુકસાન ગયું છે. આર્થિક, સ્વાસ્થ્ય અને માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાની વાત સાંસદે પોતાના પત્રમાં કરી છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર ક્યારે સર્વે કરે છે અને ક્યારે તેનું વળતર ચુકવે છે.