ગુજરાતની આ સરકારી ઓફિસ સામે રાજસ્થાનના મહેલ પણ ફિક્કા લાગશે, જાજારમાન ઈમારતમાં કામ કરશે સરકારી બાબુ
જૂના પાદરા રોડ ઉપર 13 હજાર ચોરસ મીટર જગ્યામાં કલેક્ટર કચેરી બનાવવામાં આવી છે. સરકાર દ્વારા રૂ. 25.56 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ, પીડબલ્યુડી વિભાગ દ્વારા રૂ. 22.05 કરોડના ખર્ચે કચેરી તૈયાર કરવામાં આવી છે.
7566.73 ચોરસ મીટર જગ્યામાં રૂપિયા 18.11 કરોડના ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું છે. રૂ. 2.96 કરોડનું ફર્નિચર તેમજ અન્ય 1.04 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
નવી કલેક્ટર કચેરીમાં કલેક્ટર, આર.ડી.સી., નાયબ કલેક્ટર -6, ચીટનીસ નાયબ કલેક્ટર અને મામલતદાર, ડિઝાસ્ટર શાખા, એન.આઇ.સી. શાખા, વીસી હોલ, જનસેવા કેન્દ્ર અને રિસેપ્સન બ્રાસ, કેન્ટિન, 100 માણસો માટેનો મિટિંગ હોલ, ઘોડિયા ઘર અને લેડીઝ રૂમ, રેકોર્ડ રૂમ, મુલાકાતીઓ માટે રિફ્રેશમેન્ટ અને અન્ય સુવિધાઓ તથા ડિસેબલ પર્સન અલગ ટોયલેટ અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સાથે જ તેમાં 2-લિફ્ટ અને રેમ્પની સુવિધા, કુલર રૂમ અને એકાઉન્ટ શાખાનો સમાવેશ કરાયો છે.
કલેક્ટર કચેરીમાં 80 ફોર વ્હિકલ માટે પાર્કિંગ સુવિધા, 300 ટુ-વ્હિલર પાર્ક થઇ શકે તેવી સુવિધા છે. આ ઉપરાંત 2 ડિસેબલ વાહન રહી શકે તેવી સુવિધા પણ છે.
સરકારી ઓફિસમાં વીડિયો કોન્ફરન્સ માટે 30 રૂમ, વીડિયો સિસ્ટમ સાથે 120 કેપેસિટીનો ધારાસભા હોલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડોદરાનો રજવાડી વારસો જળવાઇ રહે તેવા દેખાવવાળી કલેક્ટર કચેરી બનાવવામાં આવી છે. ઉપરાંત કલેક્ટર કચેરીના પ્રાંગણમાં 1850 ચોરસ મીટર જગ્યામાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવ્યુ છે. જે ગાર્ડન લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે.