ભાજપને વડોદરામાં મોઢું બતાવવાની સ્થિતિ ન રહી! એક પણ નેતા કે કોર્પોરેટર પાણીમાં ન ઉતર્યા, પ્રજાએ નેતાઓને ભગાડ્યા

Fri, 30 Aug 2024-12:53 pm,

વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અનેક નેતાઓ લોકોના ખબરઅંતર પૂછવા નીકળ્યા છે, પરંતુ પૂરની સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે, તેનો ભાગ ગુજરાત વિધાનસભાના દંડક અને MLA બાળકૃષ્ણ શુક્લા બન્યા છે અને લોકોએ તેમને રીતસરના ભગાડ્યા છે. વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા ત્યારે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યને જોઈને લોકોએ બે હાથ જોડીને ,જયશ્રી રામ અહીંયાથી જાવ, પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી, તેવો હૂરિયો બોલાવ્યો હતો. લોકોનો ભારોભાર રોષ જોઈને નેતાજીએ ચાલતી પકડી હતી.   

હરણી વિસ્તારમાં વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલનો સ્થાનિક લોકોએ હુરિયો બોલાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ભગવાનને સહારે હરણી વિસ્તારના લોકો જીવી રહ્યા છે, ત્યારે આજે સફાઈ કરાવવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલને લોકોએ ભગાડ્યા હતા. સ્થાનિક લોકોએ અહીંથી જતા રો, તમારી કોઈ જરૂર નથી" કામ નતું કર્યું માટે મનીષાબેન વકીલ માથું નીચું કરીને નીકળી ગયા હતા.

વડોદરાના મેયર પિન્કીબેન સોની અને તેમના જ વોર્ડના કોર્પોરેટર રાખીબેન શાહનો વિરોધ કરાયો. પૂર ગ્રસ્ત વિસ્તારમાં દૂધ અને પાણી વિતરણ કરવા ગયેલા બંને નેતાઓને લોકોએ ભગાડ્યા હતા. મેયર અને કોર્પોરેટર તેમના મતવિસ્તારના નાગરિકોના રોષનો ભોગ બન્યા હતા. લોકોએ કહ્યું, અમને દૂધ નથી જોઈતું તમે અહીંથી જાવો. અમે ભૂખ્યા હતા ત્યારે કોઈ ન આવ્યું. લોકોના વિરોધને જોતા મેયર અને કોર્પોરેટરે ચાલતી પકડી હતી.   

ગઈકાલે રાત્રે વોર્ડ 7 ના ભાજપ કોર્પોરેટર બંદીશ શાહનો પણ વિરોધ કરાયો. વડોદરામાં ભાજપ નેતાઓનો વિરોધ યથાવત છે. ત્યારે સલાટવાડા તુલસીબાઈની ચાલ ખાતે મુલાકાતે ગયેલા બંદીશ શાહને નાગરિકોએ ભગાડ્યા હતા. બંદીશ શાહનો ઘેરાવ કરી નાગરિકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. બે દિવસથી ભૂખ્યા, તરસ્યાં રહ્યા પણ કોઇ ઝાંખવા પણ ન આવ્યું તેવું કોર્પોરેટરને મોઢે સંભળાવ્યું. પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ મુલાકાતે કોર્પોરેટર ગયા હતા. લોકોના રોષને પારખી જઈ બંદીશ શાહને સ્થળ પરથી ભાગવું પડ્યું. 

તો બીજી તરફ, વડોદરાના પૂર દરમિયાન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ નિષ્ક્રિય રહેલા જોવા મળ્યા. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ધારાસભ્યોના પણ ફોન પણ ન ઉઠાવ્યા. ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ અને ચૈતન્ય દેસાઈના ન ફોન તેમણે ન ઉઠાવ્યા. મનીષા વકીલનો ફોન તો સતત બે દિવસ સુધી ન ઉઠાવ્યો, અમુક સમયે ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને ઉગ્ર રજુઆત કરી. પાર્થ બ્રહ્મભટ્ટ સામે કાર્યવાહી કરવા ધારાસભ્યોએ માંગ કરી. પાર્થ બ્રહ્મભટ્ટે જિલ્લા વહીવટી તંત્ર સાથે યોગ્ય સંકલન પણ ન કર્યું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link