જો તમે એમ માનતા હોય કે તમને કોરોના નહીં થાય, તો એ વહેમ કાઢી નાખજો...!!!
વડોદરા (Vadodara) માં કોરોનાના નવા સ્ટ્રેન ખુબ જ ઘાતકી સાબિત થઈ રહ્યા છે કોરોનાગ્રસ્ત દર્દીની સ્થિતિ ફક્ત ત્રણ થી ચાર દિવસમાં ગંભીર બની જાય છે ત્યારે દર્દીઓ સાથે સાથે તેમના સ્વજનોની સ્થિતિ પણ દયનિય બની છે. દર્દીના સ્વજનો વહેલી સવારથી જ કોવિડ (Covid 19) પૂછપરછ કેન્દ્રો પર લાંબી કતારો લગાવવા મજબુર બન્યા છે.
હાલ સમગ્ર રાજ્ય (Gujarat) માં કોરોના પોતાનું ઘાતક સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. તેવામાં હજારોની સંખ્યામાં નાગરિકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના ગ્રસ્ત દર્દીઓમાં મોટાભાગના સિનિયર સીટીઝનોનો ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે રાજ્યની તમામ હોસ્પિટલો (Hospital) માં દર્દીને દાખલ કરવા તેમના સ્વજનો આમતેમ ભટકી રહ્યા છે.
વડોદરા (Vadodara) શહેરની વાત કરીએ તો શહેરની તમામ હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી. હાલ દર્દીઓને હોસ્પિટલોની લોબીમાં સારવાર આપવામાં આવી રહી છે. સાથે-સાથે શહેરમાં રોજેરોજ 700થી પણ વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે 700માંથી ગંભીર પ્રકારના દર્દીઓને ક્યાં દાખલ કરવા તે પ્રશ્ન તંત્ર તેમજ દર્દીના સ્વજનોને સતાવી રહયો છે.
શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી તેવામાં દર્દીના સ્વજનો ગમે તેમ કરી પોતાના સ્વજનોને સારી સારવાર મળે અથવા તો તેમ નો જીવ બચે તેના માટે આમતેમ ભટકી રહ્યા છે. જેનો પુરાવો કોવિડ પૂછપરછ કેન્દ્ર બહાર લાગેલી સ્વજનોની લાગેલી લાંબી કતારો છે.
સ્વજનો પૂછપરછ કેન્દ્ર પર આવીને હોસ્પિટલમાં બેડ ખાલી છે કે કેમ અથવા તો દાખલ દર્દીની તબિયત સારી છે કે કેમ તે અંગેની પૂછતાછ કરી રહ્યા છે. ત્યારે હવે નાગરિકો એ સરકારની અપીલને ગંભીરતાથી લઈ નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે અને જો બેદરકાર બની નિયમોનું પાલન નહીં કર્યું તો આજ રીતે તેમના સ્વજનોએ કતારોમાં ઉભા રહેવા મજબુર બનવું પડે તો નવાઈ નહીં.