વડોદરાની આર્ટિસ્ટ માતા-પુત્રીએ કેનવાસ પર બનાવ્યા પીએમ મોદીના આદમ કદના પોટ્રેટ
એક પોટ્રેટમાં તેમણે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને થીમ બનાવાઈ છે તો એક અન્ય પોટ્રેટમાં પીએમ મોદીના વિશાળ ચહેરાની સાથે જ કુંભના મેળામાં વડાપ્રધાન દ્વારા સફાઈ કર્મીઓના પગ ધોઈને તેમને જે સન્માન આપવામાં આવ્યું હતું તેને કેનવાસ પર ઉતારવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માતૃપ્રેમ તો જગજાણીતો છે. વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ તેમના માતા હીરાબાને ભુલ્યા નથી. તેઓ જ્યારે પણ ગાંધીનગરની મુલાકાત લે છે ત્યારે અવશ્ય માતાના આશિર્વાદ લેવા માટે પહોંચી જાય છે. તાજેતરમાં જ ગુજરાતમાં 23 એપ્રિલના રોજ જ્યારે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું ત્યારે પણ તેમણે માતાના હાથે શીરો ખાઈને વિજયના આશિર્વાદ લીધા હતા અને પછી મતદાન કરવા માટે રવાના થયા હતા.
વડાપ્રધાન મોદીના વિવિધ ભાવોને તેમણે કેનવાસ પર રંગોમાં ઉતાર્યા છે. તેમણે વડાપ્રધાનની વિવિધ અદાઓ કે જે લોકોમાં સૌથી વધુ પ્રિય છે તેને કેનવાસ પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન બન્યા પછી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન લોન્ચ કર્યું હતું. તેઓ પોતે પણ હાથમાં ઝાડુ લઈને દિલ્હીની સડકો પર સફાઈ કરવા નિકળી પડ્યા હતા. પીએમ મોદીના આ સદ્કાર્યને પણ કલાકાર માતા-પુત્રીએ કેનવાસ પર ઉતાર્યો છે.
માતા અને પુત્રીને પીએમ મોદીના આદમ કદના વિશાળ પોટ્રેટ બનાવવા માટે 7 દિવસ જેટલો સમય લાગ્યો હતો. વડોદરાના બાજવાજડામાં રહેતા ઇન્દુ પંડ્યા નાનપણથી ચિત્રકામ કરતા આવ્યા છે અને તેમના પગલે ચાલીને તેમની પુત્રી કુમકુમ પંડ્યાએ ફાઇન આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. બંને મહિલાઓએ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દેશના પ્રધાન સેવક માટે કાંઈક નવું અને અનોખું કાર્ય કરવાનું નક્કી કર્યું હતું.
શહેરના બાજવાડા વિસ્તારમાં રહેતા પંડ્યા પરિવારના મોટાભાગના સભ્યો કલા સાથે સંકળાયેલા છે. માતા-પુત્રી ચિત્રકાર છે તો પિતા અને જમાઈ સંગીતના ક્ષેત્રે ખાસી નામના મેળવેલ છે. માતા ઈન્દુબેન અને દિકરી કુમકુમ પંડ્યા દિલ્હી જઈને પીએમ મોદીને રૂબરૂમાં આ પોટ્રેટ ભેટમાં આપવાની ઈચ્છા ધરાવે છે. આગામી 23 મેના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ આવી જાય ત્યાર પછી તેઓ દિલ્હી જવા માગે છે.