ગુજરાતી દંપતીએ ખેતીમાં ગર્વ લેવા જેવું કર્યું કામ, વલસાડમાં ચારેતરફ તેમની વાહવાહી થઈ ગઈ

Mon, 16 Jan 2023-11:55 am,

વલસાડના કાંજણ રણછોડ ગામમાં રહેતા સંગીતાબેન અને તેમના પતિ અનુપભાઈએ મુંબઈ માયા નગરીની ભાગદોડવાળી લાઈફ સ્ટાઈલથી રિટાયરમેન્ટ લીધું. ત્યાર બાદ કાંજણ રણછોડ ખાતે શ્રદ્ધા ફાર્મ નામનો નાનો ડેરી ફાર્મ ખોલ્યો હતો. જે બાદ તેમના ફાર્મ પર તેમના દ્વારા ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગમાં લેવાય એવી દવાઓ તથા ખાતરો બનાવવાનું શરૂ કર્યું હતું. જે બાદ તેમના દ્વારા દૂધ મંડળીમાં આવતા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી વિશે સમજ આપી હતી અને ઓર્ગેનિક ખેતીના ફાયદાઓ જણાવ્યા હતા. 

ખેડૂતો ખાસ કરીને પોતાના ખેતરમાં સારો પાક થાય અને કોઈ જંતુ પાકને ખરાબ ન કરે તે માટે રાસાયણિક દવાનો છંટકાવ કરતા હોય છે. જેને કારણે પાક વધુ પ્રમાણમાં થતો નથી. તો બીજ તરફ, રાસાયણિક દવા અને ખાતર મોંઘા મળતા હોય છે ત્યારે સંગીતાબેન અને તેમના પતિ દ્વારા ખેડૂતોને સમજાવી ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા હતા. એક વર્ષ સુધી તેમના દ્વારા ખેડૂતોને ફ્રીમાં ઓર્ગેનિક દવા તથા ખાતર આપી ખેતીમાં મદદ કરી હતી. જે બાદ ખેડૂતોને ઓર્ગેનિક ખેતીમાં ફાયદો થતાં ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા હતા.

ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતોને ઓછા ભાવે ઓર્ગેનિક દવાઓ અને ખાતર આપવામાં આવે છે. એક વર્ષમાં સંગીતાબેન તથા તેમના પતિ અનુપભાઈ દ્વારા 100 જેટલા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ સફળ રહ્યો છે. તો ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પણ તેમના ખેતરમાં સારો ફાયદો જોવા મળી રહ્યો છે સાથે તેમના પાકમાં પણ વધારો થઈ રહ્યો છે અને ખેડૂતોને સારી એવી આવક ઊભી થઈ રહી છે.

વલસાડ ખાતે  સંગીતાબેન અને તેમના પતિ દ્વારા શરૂ કરાયેલા શ્રદ્ધા ફાર્મ  સાથે હાલ 100 જેટલા ખેડૂતો જોડાયા છે. ખેડૂતોનું કહેવું છે કે રાસાયણિક ખેતી કરતા પણ એકદમ સસ્તા ભાવે ઓર્ગેનિક ખેતી થઈ જાય છે. રાસાયણિક ખેતીમાં જો દવાનો છંટકાવ એક આંબાવાડીમાં કરવો હોય તો આશરે 2000 થી 2500 રૂપિયાનો ખર્ચ થઈ જાય છે, જ્યારે કે ઓર્ગેનિક દવાનો છંટકાવ માત્ર 500 રૂપિયામાં જ સમગ્ર વાડીમાં થઈ જાય છે. ઓર્ગેનિક દવાનો છંટકાવ અને ખાતર ઉપયોગ કર્યા બાદ ખેડૂતો ના ખેતરમાં સારો પાક પણ થવા લાગ્યો છે.

વલસાડના એવા પણ કેટલાક ખેડૂતો છે કે જેમના ખેતરમાં ઓર્ગેનિક દવાનો છંટકાવ કર્યા બાદ હાલ આંબાવાડીઓમાં નાની નાની કેરીઓ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓર્ગેનિક દવાઓ અને ખાતર માત્ર આંબાવાડીમાં જ નહીં પરંતુ શાકભાજીના પાકો લેતા ખેડૂતોને પણ સારો એવો ફાયદો પહોંચાડી રહી છે. જેને લઈને ખેડૂતોને પણ સારી એવી આવક ઊભી કરવામાં મદદરૂપ થઈ રહી છે

આમ, સંગીતાબેન અને તેમના પતિ દ્વારા વધુમાં વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ઓર્ગેનિક ખેતી કરી ખેડૂતો તથા ખેતરમાંથી નીકળેલા પાકો ખાઈ લોકો સ્વસ્થ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link