85 વર્ષની ઉંમર સુધીમાં ગફૂર બિલખીયાએ જે સેવાકાર્ય કર્યું, તેના માટે પદ્મ પુરસ્કાર પણ ઓછો પડે...

Sun, 26 Jan 2020-3:41 pm,

ગફુરભાઈ બિલખિયાને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતા વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ છે. મહત્વપૂર્ણ છે કે ગફુરભાઈ બિલખિયા એક ઉદ્યોગપતિની સાથે પ્રખર ગાંધીવાદી અને  સમાજસેવક પણ છે. ગફુરભાઈ બિલખિયાનો જન્મ 9 માર્ચ, 1935માં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વડા ગામમાં થયો હતો. બાળપણમાં જ તેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આથી તેમની માતાએ જ તેમનું લાલન-પાલન કર્યું હતું. શરૂઆતથી જ તેઓ ગાંધીવાદી વિચારોથી પ્રેરાઈને ગાંધીવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ સમાજ સુધારણા અને સેવાના કાર્યોમાં જોડાઈ ગયા હતા. વર્ષ 1981માં પરિવાર સાથે તેઓ વાપી આવ્યા અને પૌત્રો સાથે મળી તેઓએ વાપીમાં  નાના પાયે ઉદ્યોગની શરૂઆત કરી હતી.

બિલખીયા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલી કંપનીએ આજે મોટું સ્વરૂપ લઈ લીધું છે. તેમની કંપની વાપી જીઆઇડીસી વિસ્તારમાં ઇન્ક બનાવતી હિન્દુસ્તાન ઇન્ક અને ત્યારબાદ micro ink તરીકે અને હવે હુબર તરીકે ઓળખાય છે. આજે ગફુરભાઈ બિલખિયાની સાથે તેમના પુત્રો પણ તેમનું ઔદ્યોગિક વારસો સંભાળે છે. આજે બિલખિયા ગ્રુપ વાપીનું અગ્રણી ઔદ્યોગિક ગ્રુપ માનવામાં આવે છે. તેઓ મુખ્યત્વે ઈન્ક બનાવવાના વ્યવસાયની શરૂઆત કરી હતી. અત્યારે તેઓ બિલાગ ઇન્ડસ્ટ્રીઝ સહિત પેસ્ટિસાઈડ્સ ઉત્પાદન વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. આજે બિલખિયા ગ્રુપ દુનિયાની અનેક મોટી કંપનીઓ સાથે વ્યાપારિક સંબંધો ધરાવે છે. આજે બિલખીયા ગ્રુપ મેરિલ લાઈફ સાયન્સ અને મેક્ષસ એજ્યુકેશન નામની કંપનીઓ ધરાવે છે. ગફુરભાઈ બિલખિયા મોટેભાગે સમાજ સેવામાં જ સમય પસાર કરે છે. જ્યારે તેમનો કારોબાર પુત્રો સંભાળે છે. 

કંપની બાદ ગફૂરભાઈએ ફાઉન્ડેશનની શરૂઆત કરી, જે આજે સમાજસેવા સાથે શિક્ષણ ક્ષેત્રે પણ સેવાકીય કાર્યો કરે છે. ત્યારે આટલા વર્ષોની સમાજસેવા અને ઉદ્યોગો ક્ષેત્રે કરેલી પ્રગતિ બાદ હવે તેમને દેશના સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ મામલે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. નરેન્દ્ર મોદીને અવતારી પુરુષ ગણાવી સાચા અર્થમાં દેશના સર્વોચ્ચ સન્માન માટે પસંદગી કરવામાં આવે છે તેવો મત વ્યક્ત કર્યો હતો. આમ પોતાની પદ્મશ્રી તરીકે પસંદગી થતા આનંદ અને હર્ષની લાગણી અનુભવી હતી. આમ વલસાડ જિલ્લાના ગાંધીવાદી ઉદ્યોગપતિ અને સમાજસેવક ગફુરભાઈ બિલખિયાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થતાં વલસાડ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. મોટી સંખ્યામાં લોકોએ તમને આ સન્માન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અત્યારે ગફુરભાઈ બિલખિયાના પુત્રો ઔદ્યોગિક વારસો સંભાળે છે. પરંતુ ગફુરભાઈ બિલખિયા મોટેભાગે તેમનો સમય સમાજ સેવા સમાજ સુધારણાના શૈક્ષણિક પ્રવૃતિઓમાં યોગદાન માટે કરી રહ્યા છે. આ કારણે વલસાડ જિલ્લામાં ગફુરભાઈ બિલખિયા ‘ગફૂર ચાચા’ના હુલામણા નામથી જાણીતા બન્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link