રખડતા શ્વાનનું રહેઠાણ બન્યું વાપીનું દંપતીનું ઘર, સંતાનોની જેમ રાખે છે સંભાળ
આ યુવા યુગલ છે નિલેશ રાયચુરા અને શીતલ રાયચુરા. બંને વાપીમાં જાણીતું નામ છે. શીતલ બેને ફેશન ડિઝાઇનિંગમાં કારકિર્દી શરૂ કરી હતી. તો નિલેશ રાયચૂરા બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શનમાં વ્યવસાયમાં હતો. જો કે તેઓ પોતાના વ્યવસાયિક કામ કરતા જીવદયા અને શ્વાન પ્રેમના કારણે વાપીમાં જાણીતા છે. કારણ કે આ યુવા દંપતીએ પોતાની આખી જિંદગી શેરીઓમાં રખડતા અને નિરાધાર બની ગયેલા અને અકસ્માતે અંધ અપંગ કે જિંદગીભરની ખોડખાપણવાળા શ્વાનોની સેવા પાછળ જ પોતાનો જીવનને ન્યોછાવર કર્યું છે. તેઓની આ શ્વાન અને જીવ દયા પ્રેમની હદ તો ત્યાં આવી છે જ્યાં તેઓએ વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સોનાની લગડી સમાન જમીન ખરીદી અને 13 વર્ષ અગાઉ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ નામે એક સંસ્થા સ્થાપી હતી. જ્યાં આ યુવા દંપતી વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લાના કોઈપણ ખૂણે ઘાયલ અને અસસકત થઈ જતાં શ્વાનોને લાવી અને તેની સેવાચાકરી કરી અને આશરો આપે છે.
ટીંકુ મેમોરિયલ સંસ્થાની સ્થાપના પાછળ પણ તેમનો શ્વાન પ્રેમ ઉજાગર થાય છે. કારણ કે લગ્નજીવન પહેલા શીતલ રાયચુરાને ગટરમાંથી એક શ્વાનનું બચ્ચું મળ્યું હતું .જેની લાલન પાલન કરી અને તેનું નામ ટીંકુ રાખ્યું. અને ટીંકુ નામ થી જ તેઓએ આ સંસ્થા શરૂ કરી જ્યાં આજે રસ્તે રખડતા અને જિંદગીભરની ખોડ ખાપન વાળા શ્વાનોને નવું જીવન બક્ષી રહ્યા છે.
રાયચુરા યુવા દંપત્તિએ સ્થાપેલા આ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્વાન શેલ્ટરમાં આજે 170 થી વધુ ઈજાગ્રસ્ત, રોગીષ્ટ અને જિંદગીભરની ખોડ ધરાવતા શેરીમાં રખડતા શ્વાનોને આશરો આપ્યો છે. તેઓ ન માત્ર વાપી, પરંતુ સમગ્ર વલસાડ જિલ્લાના કોઈપણ ખૂણેથી કોઈ શ્વાનને અકસ્માત થયો છે કે કોઈ શ્વાન જિંદગીભર માટે અપંગ થયું છે કે કોઈ રીતે મુશ્કેલીમાં છે તો આ શ્વાન પ્રેમી દંપતી પોતાના સ્વ ખર્ચે તે શ્વાનને પોતાના આ શેલ્ટર હોમમાં લાવે છે. ત્યારબાદ તે ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર દવા અને સેવા ચાકરી કરે છે અને તેમને અહીં આશરો આપે છે. અને જે શ્વાન ફરી સ્વસ્થ થઈ જાય છે તેમને તેમની જગ્યાએ મુક્ત કરી દેવામાં આવે છે. જ્યારે જિંદગીભરની ખોડ ખાપણ વાળા શ્વાનોને તેઓ જિંદગીભર પોતાના આ શેલ્ટર હોમમાં રાખી અને તેમની સેવાચાકરી કરવાનો નિર્ણય નિર્ધાર કર્યો છે. છેલ્લા 13 વર્ષથી આ સંસ્થામાં અસંખ્ય શ્વાનોને નવું જીવન બક્ષી અને જીવદયાનું ઉત્તમ અને સાર્થક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
રાયચૂરા દંપતી અત્યારે 170 થી વધુ ખોડખાપણવાળા સ્વનોને પોતાના શેલ્ટર રૂમમાં આશરો આપી રહ્યા છે. તો પોતાના ઘરની આજુબાજુના વિસ્તારના શેરીએ રખડતા શ્વાનોને પણ રોજનું ખાવાનું પૂરું પાડી રહ્યા છે. જોકે આખી જિંદગી આ શ્વાનોની સેવામાં જ ખપાવી દેવાનો નિર્ધાર કરેલ આસવાન પ્રેમી દંપતી પોતે ભૂખ્યા રહીને પણ આ સેવા કરવાનું ચૂકતા નથી. કારણ કે શરૂઆતમાં માત્ર નાના પાયા શરૂ કરેલા આ શ્વાન શેલ્ટર માં 30 થી 35 શ્વાનો હતાં. પરંતુ આજે તેની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે .આથી આજે આ શેલ્ટર હોમ ચલાવવા અને રસ્તે રઝડતા શ્વાનોને ખાવાનું પૂરું પાડવા રોજના 12,000 થી વધુનો ખર્ચ થાય છે.અને મહિને સાડા 3 લાખથી વધુનો ખર્ચ કરીને પણ આ દંપતિ સેવા કરી રહ્યા છે. જોકે શરૂઆતમાં તમામ ખર્ચ દંપતિ ઉપાડતો હતો. પરંતુ તેમની સેવા જોઈ અને કેટલીક સામાજિક સંસ્થાઓ અને વાપીની કેટલીક કંપનીઓ પણ આગળ આવી અને આ દંપતીના સેવા યજ્ઞમાં સહભાગી બની અને ખર્ચમાં મદદરૂપ થઈ રહી છે અને તેમની આ સેવા ને અનેક સંસ્થાઓ બીરદાવી ચૂકી છે.
આ શ્વાન શેલ્ટર હોમમાં આશરો લેતા તમામ શ્વાનો ને આ દંપતી પોતાના પરિવારનો જ અભિન્ન અંગ માને છે. જો કે તેમની શ્વાન પ્રેમની પરાકાષ્ઠા એ છે કે તેઓએ લગ્ન બાદ આ શ્વાન સેવા પાછળ જિંદગી ખપાવી દેવાનો નિશ્ચય કર્યો હોવાથી સેવામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે જિંદગીભર તેઓએ નિસંતાન રહેવાનું જ સ્વેચ્છાએ નક્કી કર્યું છે. અને પોતાના સંતાનોની જેમ જ આ શેલ્ટર હોમમાં આશરો લેતા શ્વાનોને પોતાના બાળકો જ માની અને તેમનું લાલન પાલન કરે છે. આથી આ યુવા દંપતીને જોઇને જ તમામ શ્વાનો તેમને વ્હાલ કરવા પડાપડી કરે છે.
મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓને શ્વનોનો આંતક વધી ગયો હતો. સાથે તેમની વધતી વસ્તીને અટકાવવા સરકાર દ્વારા લાખો રૂપિયાનું બજેટ ખસીકરણ માટે ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં શ્વાનો તંત્ર માટે માથાનો દુખાવો સાબિત થાય છે . પરંતુ એક પણ રૂપિયાની સરકારી મદદ ન મળતી હોવા છતાં પણ આ યુવા દંપતિ સરકાર કરતા વિશેષ સેવા કરી રહ્યું છે. અને રહેવા ખાવા પીવાની સાથે તેમના સારવારનો પણ ખર્ચ આ યુવા દંપતિ ઉઠાવે છે. અને પોતાના સેન્ટરમાં એક વિશેષ સુવિધા ઉભી કરી તેમને દિવસમાં દવાની સાથે ત્રણ ટાઈમ ભરપેટ ભોજન પૂરું પાડી અને ખોરાક આપી અને તેમને આ ગરમીમાં પણ કોઈ તકલીફ ન પડે તે માટે પ્રત્યેક ખૂણે ખૂણે પંખા અને કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
લગ્ન પહેલાંથી જ બંને યુવા દંપતીને જીવદયા પ્રત્યે લાગણી હતી. જે લગ્ન બંધનમાં બંધાવવા બંને માટે પ્રેરકબળ પૂરું પાડ્યું. અને લગ્ન બાદ પણ તેઓ શ્વાનો ની સેવામાં જ પોતાની જિંદગી ખપાવી દેવાનો નિર્ધાર કર્યો. અને પોતે નિસંતાન રહીને પણ આ શ્વાનોને જ પોતાના સંતાનોની જેમ ઉછેરવાનો તેમનો આ ભગીરથ પ્રયાસ આજે વાપી સહી સમગ્ર વલસાડ જિલ્લાના અસંખ્ય અને અગણિત શ્વાનોને નવી જિંદગી આપી ચૂક્યું છે. અને અસંખ્ય શ્વાનોને જિંદગીભરનો આશરો પણ આપી રહ્યું છે. આથી વાપીનું આ યુવા રાયચુરા દંપતી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અન્ય લોકોને પણ જીવદયાની અને શ્વાન પ્રેમની પ્રેરણા પૂરું પાડી રહ્યું છે.