Pic : વાયુ વાવાઝોડાને કારણે 3 લાખથી વધુનુ સ્થળાંતર, સૂમસાન બન્યા કાંઠાના ગામો
ગુજરાતના દરિયા કાંઠાના ગામોમાં ઠેરઠેર સ્થળાંતરોના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં સ્થળાંતર થતા આખેઆખા ગામો સૂમસાન બની ગયા છે.
)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રને સ્થળાંતર કામગીરી ઝડપી કરવાનો આદેશ આપ્યો છે. તેમજ સાઈક્લોન બાદ બે-ત્રણ દિવસ સુધી પણ રાહત બચાવની કામગીરી કરવામાં આવશે, જેમાં એનડીઆરએફ પણ મદદરૂપ બનશે. એનડીઆરએફની ટીમ હાલ ગુજરાતમા પહોંચી ગઈ છે, અને લોકોમાં ભય ન ફેલાય તે રીતે તેમને સમજાવીને સ્થળાંતર કરાવી રહી છે.
એનડીઆરએફ કમાન્ડર આર.એસ.જૂનનું કહેવુ છે કે, ગુજરાતમાં એનડીઆરફેની 47 ટીમ ડિપ્લોય કરાઈ છે. કેટલીક આવી છે, કેટલીક બપોર સુધી આવી છે. તમામ ટીમે જામનગર એરફોર્સ સ્ટેશન પર લેન્ડ કર્યું છે. તમામ એજન્સી સારી રીતે આ આપદા સામે લડવાનું કામ કરી રહી છે.
હૈદરાબાદથી વિમાનમાં NDRFની 7 સ્પેશ્યલ ટીમનું મોડી રાત્રે હાઈટેક સાધનો સાથે આગમન થયું છે. તમામ ટીમોને અલગ અલગ જિલ્લાઓમા રવાના કરાશે. અન્ય બે NDRFની ટીમ જામનગર અને જોડિયામાં સ્ટેન્ડ ટુ રહેશે.
દીવ માં નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ છે. વાયુ વાવાઝોડાના પગલે ઘોઘલાના નીચાણવાળા સહિતના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગરમાં દરિયાકાંઠા વિસ્તારના 25 ગામોમાં સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 13,900 લોકોનું સલામત સ્થળે શહેરમાં સ્થળાંતર કરાશે. શહેરમાં શાળાઓ, કોમ્યુનિટી હોલ અને વાડીમાં સ્થળાંતર કરીને તેઓને રોકાણ અપાશે. આજે આખો દિવસ વિવિધ વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી કરાશે
વલસાડના 3 તાલુકાના 20થી વધુ ગામોમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. 10 જેટલી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે, તો 10 જેટલી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે 20 ગામોમાં અસર થવાની છે તેમાં તંત્ર દ્વારા સ્થળાંતર કામગીરી હાથ ધરાઈ છે. ઉમરગામના 5, વલસાડના 5 ગામો તેમજ પારડીમાં 3 ગામો અને દમણના ગામોને સૌથી વધુ અસર થશે. જેને લઇ તંત્ર ખડે પગે એલર્ટ છે.
આ ઉપરાંત અમરેલી, ઉના, દીવ, જાફરાબાદ, પોરબંદર, માધવપુરમાં પણ એનડીઆરએફની ટીમ સ્થળાંતરની કામગીરી કરાવી રહી છે. લોકો પોતાનો જરૂરી સામાન તથા પશુઓ સાથે સ્થળાંતર કરી રહ્યા છે તેવા દ્રશ્યો ઠેર ઠેર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના 4 તાલુકામાં 1009 લોકોનું સ્થળાંતર કરાયું. આ તમામ લોકોને આસપાસની 25 જેટલી સરકારી શાળામાં જગ્યા ફાળવવામાં આવી છે. આ તમામ લોકો માટે ગ્રામપંચાયત અને એનજીઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.