IPL ના ઇતિહાસના 5 સૌથી મોટા વિવાદ, કોઈએ લાફો માર્યો તો કોઈએ ફેંક્યું બેટ!
Virat Kohli vs Gautam Gambhir: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ રમાઈ. જેમાં બેંગ્લુરુની ટીમે 18 રનથી જીત મેળવી. પરંતુ આ મેચ ઈતિહાસમાં યાદગાર બની ગઈ તેની પાછળ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલો વિવાદ હશે. મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. આ વિવાદ એટલો વધી ગયો કે અન્ય ખેલાડીઓ અને સ્ટાફે વચ્ચે પડવું પડ્યું. આ ઘટનાના વીડિયો અને ફોટાઓ ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ કોઈ પહેલો વિવાદ નથી. આ અગાઉ પણ વિવાદ થયા હતા. આવો જાણીએ....
IPL ની શરૂઆત 2008માં થઈ હતી. આ સીઝનમાં લીગની સાથે પહેલો વિવાદ જોડાયો હતો. જ્યારે હરભજન સિંહે ફાસ્ટ બોલર એસ શ્રીસંતને લાફો માર્યો હતો. ત્યારબાદ હરભજન સિંહને 11 મેચ માટે સસ્પેન્ડ કરાયો હતો. શ્રીસંત મેદાન પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો. ત્યારબાદ હરભજન સિંહે ડ્રેસિંગ રૂમમાં જઈને શ્રીસંતની માફી માંગી હતી.
2013માં દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ પર એક કાળો ધબ્બો લાગ્યો હતો. આઈપીએલ 2013માં 3 પ્લેયર્સ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. જેમાં એસ શ્રીસંત, અંકિત ચૌહાણ અને અજિત ચંદેલાની ધરપકડ થઈ હતી. ત્યારબાદ બીસીસીઆઈએ મોટું પગલું ભરતા રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સને 2 વર્ષ માટે બેન કરી હતી. બીજી બાજુ ફિક્સિંગમાં સામેલ પ્લેયર્સ પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો.
આઈપીએલ 2013માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને આરસીબી વચ્ચે મચ રમાઈ રહી હતી. જયારે કોહલી આઉટ થઈને મેદાનની બાહર જઈ રહ્યો હતો. ત્યારે તેની કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીર સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી. ત્યારબાદ બંને વિવાદમાં ઉતર્યા હતા. એમ્પાયરે વચ્ચે પડવું પડ્યું હતું.
આઈપીએલ 2012માં કેકેઆરના માલિક શાહરૂખ ખાન પર વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવાયો હતો. વાત જાણે એમ હતી કે શાહરૂખ પર મેદાનકર્મીઓ સાથે અભદ્રતા અને મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે 2015માં આ પ્રતિબંધ હટાવી લેવાયો હતો.
સ્ટાર ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડ અને ઘાતક બોલર મિશેલ સ્ટાર્ક વચ્ચે પણ એક વિવાદ જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાયેલી મેચમાં કીરોન પોલાર્ડને એટોલ ગુસ્સો આવી ગયો હતો કે તે બેટ સ્ટાર્ક પર ફેંકવા માટે મજબૂર બની ગયો. જો કે બેટ લસરીને પોલાર્ડના હાથમાંથી પડ્યું હતું.