વિરાટ કોહલીની રાજકોટની આ ક્યૂટ ફેન સામે અનુષ્કાનો પ્રેમ પણ ટૂંકો પડે
રાજકોટંની હિરલે તેના ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલીને અનોખી ભેટ આપવા એલ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા નિર્ણય કર્યો હતો. હિરલે છેલ્લા 7 વર્ષથી એટલે કે વર્ષ 2013 થી વિરાટ કોહલીના ન્યૂઝ પેપરમાં આવતા ફોટોગ્રાફ્સના ન્યૂઝ ફોટોઝ એકઠા કરી અનોખો રેકોર્ડ સ્થાપવા શરૂઆત કરી હતી. જેમાં તેને 1350 જેટલા યુનિક ફોટો સહિત કુલ 3500 થી વધુ ન્યૂઝ ફોટા એકઠા કરી વર્લ્ડ રેકોર્ડ માટે રાજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 6 સપ્ટેમ્બર 2020 ના રોજ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી તેને "લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ન્યુઝ ફોટોઝ" આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
રાજકોટના મવડી વિસ્તારમાં રહેતી અને મારવાડી કોલેજમાં BSC માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કરતી હિરલ બરવડીયા વર્ષ 2013 માં વિરાટ કોહલીના ફોટોઝ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. આ શોખમાં તેણે રેકોર્ડ બનાવવાનો વિચાર કર્યો હતો અને આજે 7 વર્ષના અંતે તેને સફળતા મળી. આખરે તેનો આ રેકોર્ડ બની ગયો છે.
આ રેકોર્ડ હાસિલ કરવામાં હિરલને તેમના માતા પિતાનો પૂરતો સહયોગ મળ્યો હોવાનું તેણે ઝી 24 કલાકને જણાવ્યું હતું. હિરલના પિતા તેને ફોટોઝની ગણતરી કરી આપતા હતા. જ્યારે તેની માતા એકત્રિત કરેલ ફોટોને સાચવી રાખવા મદદ કરતા. તેમજ બંને ફોટો એકઠા કરવા પણ મદદ કરતા હતા.
હિરલનું સ્વપ્ન છે કે, તે એકવાર વિરાટ કોહલીને મળવા ઈચ્છે છે અને એક્ટિંગની દુનિયામાં તક મળે તો એ પણ કરવા તૈયાર છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરાટ કોહલીના 80.5 મિલિયન એટલે કે 8 કરોડથી વધુ ચાહકો છે. જે વિરાટ કોહલીની દરેક પોસ્ટને લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહે છે. પરંતુ તેમના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવનારી હિરલ એકમાત્ર છે. વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પરથી કમાણી કરતા ટોપ 10 ક્રિકેટરોમાંથી એક ક્રિકેટર છે.
ઉલ્લેખનીય છે કે, હાલ માં IPL સીઝન 13 ચાલી રહી છે. જેમાં વિરાટ કોહલી IPL રમવા માટે હાલ દૂબઇ છે. આવામાં હિરલના આ શોખ વિશે તેઓ અજાણ છે. તેઓ પણ હિરલના શોખ વિશે જાણશે તો ખુશ થઈ જશે.