જ્યાં પીવાનું પાણી, રસ્તો, વીજળી અને એકપણ પાકું મકાન નથી ત્યાં કેવું મતદાન થાય છે જુઓ

Tue, 07 May 2024-12:39 pm,

નર્મદા નદીના ટાપુ પર આવેલ આલિયા બેટ ખાતે મતદારોએ મતદાન કર્યું. લોકસભા ચૂંટણી 2024 માં ભરૂચ જિલ્લાનું આલિયા બેટ સ્થિત મતદાન બૂથને આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. આલિયાબેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલો વિશાળ ટાપુ છે. જ્યાં પીવાનું પાણી, રસ્તા, વીજળી અને એકપણ પાક્કું મકાન નથી. ટાપુ પર રહેતા 254 મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે. અહીં 136 પુરૂષ અને 118 મહિલા મતદાતાઓ સહિત કુલ 254 મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે એક સ્થાયી શિપિંગ કંન્ટેનરમાં મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

કચ્છથી 350 વર્ષ પહેલાં જત જાતિના લોકો પશુધન સાથે આલિયાબેટ આવી વસ્યા હતા. જેઓ પાયાની સુવિધાઓ વગર અહીં જીવે છે અને પશુપાલનના વ્યવસાય પર નભે છે. દેશમાં વર્ષ 1951-52માં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને ત્યારથી લઈને વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી એટલેકે 7 દાયકા સુધી યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા-વિધાનસભા ચૂંટણીઓમાં અહીંના મતદારો હોડીમાં સવાર થઈને જળમાર્ગે ૧૫ કિમી અથવા આલિયાબેટથી જમીન માર્ગે 82 કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતાં હતાં.

ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયાબેટના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડીંગ અહીં ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કુલમાં તબદીલ કરી દેવામાં આવી છે. જેમાં હાલ બેટના 50 બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે બેટ પાર વીજળી નથી ત્યારે ઉપકરણોને ચલાવવા સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વિજળીથી કન્ટેનરના ટ્યુબલાઈટ અને પંખા ચલાવવામાં આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link