Pics : આઝાદીના 7 દાયકા બાદ પણ ગુજરાતનું આ ગામ તરસ્યું, બાળકો પણ માથે માટલા ઉંચકવા મજબૂર
આ દ્રશ્યો છે ગુજરાતના મહેસાણા જિલ્લાની જ્યાં મહિલાઓ ચાલીને ગામની બહાર પાણી લેવા જઇ રહી છે. માનવામાં ન આવે તેવી વાત છે. કારણ કે ગુજરાત દેશના વિકસીત રાજ્યોમાંનું એક છે અને સરકાર દાવો કરી રહી છે કે રાજ્યના તમામ વિસ્તારોમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. તેમ છતાં અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં પાણી પહોંચી નથી રહ્યું. પીવાના પાણી માટે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે.
બેચરાજી પાસેના ગામની આ સ્થિતિ છે, જ્યાં પીવાનું પાણી લેવા મહિલાઓને ગામ બહાર જવું પડે છે. ગામમાં કૂવો તો છે, પણ તેમાં પાણી લીલવાળુ હોવાથી બાળકોનું સ્વાસ્થ્ય બગડે છે. જેના કારણે મહિલાઓ ગામની બહાર પાણી ભરવા જાય છે. ગામમાં આજે પણ પીવાના પાણી માટે કુવા પર આધારિત રહેવું પડે છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
પીવાના પાણી માટે ફક્ત ગામની મહિલાઓ જ નહિ, પરંતુ શાળાએ જતા બાળકો, ગામના પુરુષોને પણ લાઇનમાં ઉભુ રહેવું પડે છે. શાળાના સમયે પાણી ભરવા જવાનું થાય એટલે બાળકોનું શાળાએ પણ જવું મુશ્કેલ બની જાય છે, તો સાથે જ પાણી ભરવા માટે જવું પણ જરૂરી છે. જેના કારણે વિદ્યાર્થીનીઓના અભ્યાસ પર પણ અસર પડે છે.
ગ્રામજનોનો દાવો છે કે, અવારનવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કોઇ સુવિધા થઇ નથી. સરકારી અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં ગજાપુરા ગામની મુલાકાતે કોઇ અધિકારીઓ આવ્યા નથી. અધિકારીઓ ફક્ત ઠાલા વચનો આપે છે પણ લોકોની સમસ્યા દૂર કરવા કોઇ પગલાં ભરાતા નથી.
છેલ્લા 7 દાયકાથી ગજાપુરા ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે અને ગ્રામજનો ભારે મુશ્કેલી વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. રજુઆતો તો અનેક કરી પણ કોઈ ઉકેલ ના આવતા હાલમાં તો આ ગામ લાચાર બની ગયું છે. લોકો હવે ભગવાન ભરોસો રહેવાની સાથે પાણી માટે જાતે જ વ્યવસ્થા કરી રહ્યા છે, ત્યારે સરકારી તંત્રની આંખ ક્યારે ખુલે છે તે જોવાનું રહેશે.