વલસાડ : મધુબન ડેમના પાણી ઊતરતા ડૂબેલો ઈતિહાસ વર્ષોના વહાણ વિત્યા બાદ બહાર આવ્યો
વલસાડ જિલ્લો આમ તો આદિવાસી જિલ્લો તરીકે ઓળખાય છે. પરંતુ જિલ્લામાં હવે માત્ર ૩ તાલુકાઓ ધરમપુર, કપરાડા અને ઉમરગામ આદિવાસી રહ્યા છે. ત્યારે ધરમપુર અને કપરાડા રાજા રજવાડાઓના સમયનું એક હતું. અહીં રાજા મોહન રાજ કરતા હતા, જેમણે સમગ્ર જિલ્લામાં અનેક સ્થળોએ પોતાના મહેલો બનાવ્યા હતા. તેમાનો એક કિલ્લો તેમને કપરાડા તાલુકાના ફતેપુર ગામમાં પણ બનાવ્યો હતો. જે મધુબન ડેમ બનતા પાણીમાં ગરક થઇ ગયો હતો. છેલ્લાં ત્રણ દિવસથી મધુબન ડેમનું જળ સ્તર ઘટતા અચાનક દેખાવા માંડતા વિસ્તારમાં ઐતિહાસિક અવશેષો જોવા માટે કુતુહલ સર્જાયું છે.
સ્થાનિક ધીરુભાઈ કહે છે કે, ડેમમાં પાણીનું સત્ર નીચે જતા અચાનક દેખાયેલા મહેલને જોવા માટે વિસ્તારનાં લોકોએ કિનારાથી બોટ શરૂ કરી છે. કારણ કે કુલ ચાર માળનાં મહેલમાંથી માત્ર એક જ માળ હાલ દેખાઈ રહ્યો છે. બાકીનો ભાગ હજી પાણીમાં ગરક છે. પરંતુ કિનારાની નજીક કેટલીક ઐતિહાસિક મૂર્તિઓ પણ મળી છે. તો પારસી કુવો પણ પાણી ડેમમાં ઓછું થતા જોવા મળી રહ્યો છે. તો આ ઐતિહાસિક ધરોહરને જોવા માટે આસપાસનાં ગામના લોકો પણ હવે ફતેપુર ગામમાં આવી રહ્યાં છે. લોકો મહેલની ઉપર ચઢી સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.
હાલ આ પ્રાચીન કિલ્લો છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લા માટે ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ વર્ષોથી પાણીમાં રહેલા આ મહેલ પર જે પ્રકારે લોકો ચઢીને સેલ્ફી લઇ રહ્યા છે જે કોઈ હોનારત તરફ ઈશારો કરી રહ્યો છે. તો વહેલી તકે આર્કિયોલોજી વિભાગ આ વિસ્તારમાં પહોંચી ઐતિહાસિક ધરોહરની જાળવણીનાં પગલા લે એવું અનેક લોકો કહી રહ્યાં છે.