ગૌ માતાને પીરસાયો 2 હજાર કિલો તરબૂચનો મહાભોગ, ધોમધખતી ગરમીમાં ટાઢક આપે તેવું ભોજન
શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અગાઉ ગૌ માતા માટે મોટા જથ્થામાં કેરીનો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવભાઈ ઠકકર જણાવે છે કે, અમે ત્રણ વર્ષથી નિઃસહાય વૃદ્ધોને અમે સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી રહ્યા છીએ. સાથે જ જરૂરિયાતમંદ પશુઓને મદદરૂપ થવા માટે સંસ્થા હવે આગળ આવી રહી છે.
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નિરવભાઈ ઠક્કર જણાવે છે કે, અમારા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબુર નિઃસહાય વૃદ્ધોને ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજનસેવા પીરસવામાં આવી રહી છે. રોજ 200 જેટલા વૃદ્ધો ભોજનસેવાનો નિયમિતપણે લાભ લઇ રહ્યા છે. સાથે જ તેમને મેડિકલ સહાય, ચક્ષુ દિવ્યંગજનોને પગભર કરવા, ફૂટપાથ પર જીવન વ્યતીત કરતી મહિલાઓને જરૂરિયાતના મહત્તમ સેનેટરી પેડ્સ આપવા સહિત અનેક ઉમદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ હવે અમે પશુસેવામાં જોડાયા છીએ.
વધુમાં નિરવ ઠક્કર જણાવે છે કે, તાજેતરમાં અમારા દ્વારા પાંજરાપોળમાં રહેતા ત્યજી દેવાયેલા, કતલખાને જતા બચાવી લેવાયેલા તથા બીમારીથી ગ્રસ્ત ગૌ માતાઓ માટે કેરીનો ઠંડો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ તાજેતરમાં ગૌ માતા માટે 2 હજાર કિલો તરબૂચના મહાભોગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ગૌ માતા માટે ડાઇનિંગ ટેબલ પર તરબૂચનો મહાભોગ લગાડવામાં આવ્યો હતો.
વધુમાં નિરવભાઈ ઠક્કર જણાવે છે કે, આ વખતે અમારી સાથે ગૌ સેવામાં રોનક ભાઈ પરમાર અને અંકિતાબેન પરમાર જોડાયા હતા. ગૌ માતાને ડાઇનિંગ ટેબલ પર ટુકડા કરીને તરબૂચ પીરસવામાં આવ્યા હતા. જેને લઈને ગૌ માતા આરામથી મહાભોગ આરોગી શક્યા હતા. તરબૂચ ગૌ માતાને એટલું પ્રિય લાગ્યું કે ક્યારીમાં ફેલાયેલો તરબૂચનો રસો પણ તેઓ આરોગી ગયા હતા. અને આખી ક્યારી સફાચટ કરી દીધી હતી. બે ક્યારી હોવાથી ગૌ માતા માટે ભોજન વ્યવસ્થા આરામદાયક રહી હતી.
આખરમાં નિરવભાઈ ઠક્કર જણાવે છે કે, 2 હજાર કિલો જેટલો તરબૂચનો જથ્થો હોવાથી તેના ટુકડા કરવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો કામે લાગ્યા હતા. મોટા બે ડાઇનિંગ ટેબલ પર બે રાઉન્ડમાં મહાભોગ જમાડવામાં આવ્યો હતો. ગૌ માતાને તરબૂચનો મહાભોગ આરોગતા જોવાની ક્ષણ મનને ટાઢક આપે તેવી હતી. સૌ કોઈએ યથાસ્થિતિ પશુઓની મદદ માટે આગળ આવવું જોઈએ.