Pic : જામનગરમાં પાણીના પોકાર વચ્ચે સૌથી વધુ કફોડી હાલત 65 સોસાયટીઓની, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જામનગરના શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ છે, તો બીજી તરફ ખેતી પર પણ અસર જોવા મળી છે. છેલ્લા 5 વર્ષમાં શહેરનો વિકાસ વધ્યો તો, સાથે જ શહેરી વિસ્તારની હદ પણ વધી છે. જેના કારણે 65 જેટલી નવી સોસાયટીઓ ઉમેરાઇ હતી. જેમાં અંદાજે 20 હજારથી વધુ નાગરિકોને હાલાંકી પડી રહી છે. સરકારી તંત્રએ ગ્રામ્ય વિસ્તારનો મહાનગરપાલિકા હેઠળ સમાવેશ તો કર્યો, પરંતુ પ્રાથમિક સુવિધાઓથી વિસ્તારો હજુ પણ વંચિત છે. જેમાં પીવાના પાણીની સુવિધા મુખ્ય છે. આ નાગરિકોને પીવાના પાણી માટે ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. ગત વર્ષે અપૂરતા વરસાદના કારણે બોરના પાણી પણ ભાંભરા, ખારા અને બિન વપરાશલાયક બની ગયા છે. ત્યારે હવે તમામ લોકોને માત્ર ટેન્કરના પાણી પર જ આધારિત રહેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
મહાનગરપાલિકાના સુવિધાઓના દાવા વચ્ચે નવા વિસ્તારની તમામ સોસાયટીઓમાં આ સમસ્યા યથાવત છે. નવા ભળેલા વિસ્તાર પુષ્કર સોસાયટી, તિરુપતિ સોસાયટી સહિતના વિસ્તારોમાં ટેન્કરમાં પાણી ભરવા માટે લોકો જાણે રીતસરના વલખા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે, હજુ સુધી તેમને પીવાના પાણી સુવિધા નથી મળી. ત્યારે સૌથી પહેલા તો ઘેર ઘેર નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે અને જો એમ ન થઇ શકે તો ટેન્કરનું પૂરતું પાણી અને એ પણ વધુ સમય માટે સમયસર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. એક સ્થાનિક અંજનાબહેને કહ્યું કે, મહિલાઓને પણ ઘરવપરાશ અને અન્ય કામકાજ માટે પૂરતું પાણી મળી રહે તેવું કરવું જોઈએ.
જોકે, જામનગર શહેરના નવા ભળેલા વિસ્તારોમાં ટેન્કર મારફતે અપાતા પાણીની અપૂરતી સુવિધાને લઇને મહાનગરપાલિકા તંત્રનો દાવો છે કે, હાલ આ તમામ વિસ્તારોમાં દરરોજ 117 જેટલા પાણીના ટેન્કરના ફેરા મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મામલે મનપાના વોટર વર્કસ શાખાના નાયબ ઈજનેર નરેશ પટેલનું કહેવું છે કે, રવિ પાર્ક વિસ્તારમાં એક ESRપણ ઉભું કરવામાં આવ્યું છે, જે નજીકના સમયમાં કાર્યરત થઈ જશે અને નવા ભળેલા તમામ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પણ વહેલાસર પહોંચી જશે.
જોકે હાલ તો ઉનાળાના સમયમાં જામનગર ગ્રામ્ય અને નવા ભળેલા વિસ્તારની જનતા પાણીનો પોકાર કરી રહી છે. પરંતુ તંત્ર જો સમયસર જાગશે નહીં તો હજુ પણ ઉનાળાના આગામી સમયમાં પાણીની સમસ્યા વધુને વધુ વિકટ બનશે. જેને લઈને લોકોના જનજીવનને પણ ભારે અસર પહોંચી શકે છે. એક તરફ હજારો લોકોને છેલ્લા પાંચ વર્ષથી ટેન્કરના પાણી પર આધારિત રહેવું પડી રહ્યું છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ લોકોનો અવાજ ક્યારે સાંભળશે કે પછી ફક્ત સુવિધાઓના નામે વેરા જ વસુલ્યા કરશે.