ગુજરાતમાં ચોમાસાની બે સિસ્ટમ એક્ટિવ થઈ : આગામી 3 કલાકમાં તૂટી પડશે ભારે પડશે
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થતા 3 કલાક માટે રાજ્યમાં સર્ત્ર વરસાદની આગાહી છે. રાજ્યના મહત્તમ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. પ્રહલાદનગર, વાડજ, ઉસ્માનપુરા, પાલડી, વાસણા સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીન લાલે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં પંચમહાલ, ડાંગ, દાહોદ, વડોદરામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો ભરૂચ, સુરત, નવસારી, તાપી માટે યલો એલર્ટ અપાયુ છે. મોન્સુન ટ્રફ અને બીજી એક સર્ક્યુલર સિસ્ટમ સક્રિય થઈ છે. આજે ગુજરાતમાં બે સિસ્ટમ એક્ટિવ થઈ છે.
મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજ સવારથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદથી લઈને આણંદ સુધી સાર્વત્રિક વરસાદનો માહોલ છે. વડોદરા, ગાંધીનગર અને ખેડામાં પણ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા આવ્યો તો આણંદમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેના કારણે રસ્તા પર વરસાદી પાણી વહ્યા. તો વડોદરા શહેર અને પાદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાટનગર ગાંધીનગરમાં પણ આજે મેઘરાજાએ પધરામણી કરી. વરસાદના આગમનથી ખેડૂતોમાં સારી વાવાણીની આશા જાગી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે મેઘરાજાએ મહેર કરી છે. હવામાન વિભાગે આપેલા યલો અલર્ટની વચ્ચે રાજકોટ, દ્વારકા, જામનગર, કચ્છમાં વરસાદ પડ્યો. રાજકોટ શહેરની સાથે સાથે ધોરાજી, જેતપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. તો સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો.લાલિયા, તથીયા, ભાણખોખરી, કોટડીયા, મોટી ખોખરીમાં વરસાદ આવ્યો. જામનગરમાં સાર્વત્રિક વરસાદથી નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે. તો કચ્છના ગાંધીધામ અને અંજારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.