વરુણ દેવ વિફર્યા! વાદળ ફાટતા તારાજી...હેલિકોપ્ટરથી રેસ્ક્યુ, યત્ર-તત્ર-સર્વત્ર પાણીપાણી!
અનેક રાજ્યોમાં ભારે વરસાદનો કહેર....ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં મચ્યો હાહાકાર....જયપુરમાં પાણી ભરાતાં લોકો હેરાન-પરેશાન....
અહીંયા આભ ફાટતાં ભારે તારાજી સર્જાઈ. આ દ્રશ્યો ઉત્તરાખંડના ધનગઢી વિસ્તારના છે. અહીંયા અચાનક આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે નાળામાંથી પ્રચંડ પાણીનો ધોધ વહેવા લાગ્યો. જેના કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલી અનેક નાની-મોટી ગાડીઓ તેમાં ફસાઈ ગઈ.
આ તસવીર દેશના અનેક રાજ્યોની છે કેમ કે જુલાઈમાં જમાવટ બાદ ઓગસ્ટમાં આકાશી આફત હાહાકાર મચાવી રહી છે. ઓગસ્ટના પહેલાં જ દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક રાજ્યોમાં લોકોના જનજીવન પર બ્રેક લાગી ગઈ છે. સૌથી પહેલાં વાત પહાડી રાજ્ય ઉત્તરાખંડની કરીશું.
આ દ્રશ્યો હલ્દવાની વિસ્તારના છે.. અહીંયા નાળામાં ફસાઈ જતાં એક કાર રમકડાંની જેમ તણાવા લાગી. આ દ્રશ્યો પાણીની તાકાતને દર્શાવે છે. જેમાં જોઈ શકાય છે કે જાગેશ્વર ધામ પાસેનો નાનો બ્રિજ પાણીમાં ધોવાઈ ગયો. આભ ફાટતાં કેવા ડરામણાં દ્રશ્યો સર્જાયા છે તેનો આ જીવંત પુરાવો છે. જળ પ્રલયના આ દ્રશ્યો જુઓ. જેમાં જોઈ શકાય છે કે સુખી નદી પાસે પાર્ક કરેલો એક ટ્રક પાણીના ધસમસતા પ્રવાહમાં પત્તાની જેમ વહેવા લાગે છે.
દેશમાં મેઘકહેર ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં તારાજી અનેક વિસ્તારોમાં ભારે તબાહી જયપુર, નવી દિલ્લીમાં ભારે વરસાદ વરસાદી પાણીએ વધારી લોકોની મુશ્કેલી હવામાન ખાતાએ ભારે વરસાદની કરી આગાહી
ભારે વરસાદના કારણે કેદારનાથ આવેલાં કેટલાંક યાત્રાળુઓ ફસાઈ ગયા પરંતુ SDRFના કર્મચારીઓએ તમામ યાત્રાળુઓને વારાફરતી રેસ્કયુ કરી લીધા અને તેમને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. વાદળ ફાટતાં સર્જાયેલી તારાજી અને પૂરની સ્થિતિની જાણકારી માટે મુખ્યમંત્રીએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક કરી. જેમાં હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં શું સ્થિતિ છે તે અંગે તાગ મેળવ્યો. એટલું જ નહીં બેઠક બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તમામ મદદની બાંહેધરી આપી.
રાજસ્થાનના જયપુરમાં 22 ગોડાઉન સર્કલ અને સુદર્શનપુરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભારે વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો ડ્રેનેજ લાઈન પણ ઓવરફ્લો થતાં તેનું પાણી પણ રસ્તા પર આવી રહ્યું છે જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. જયપુરના રસ્તાઓ જ નહીં પરંતુ જયપુરના એરપોર્ટ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે માત્ર મુસાફરોને જ નહીં પરંતુ એરલાઈન્સના કર્મચારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ તરફ દેશની રાજધાની પણ મૂશળધાર વરસાદના કારણે પાણી-પાણી થઈ ગઈ. અહીંયા આઈટીઓ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનરાધાર વરસાદ અને પૂરના કારણે લોકો પરેશાન છે. ત્યારે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે અનેક રાજ્યના લોકોની મુસીબતમાં વધારો થશે તે નક્કી છે.
અંબાલાલની આગાહી મુજબ આ સપ્તાહમાં ગુજરાત સહિત દેશભરમાં ધુઆંધાર વરસાદ રહેશે. ખાસ કરીને આગામી પાંચ દિવસ દેશના અલગ અલગ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.