ગુજરાતમાં શું છે સ્માર્ટ મીટરની માથાકુટ? જાણો સાદું મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો તફાવત

Wed, 22 May 2024-2:16 pm,

સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. આખરે સ્માર્ટ મીટર છે શું? કેમ તેનો થઈ રહ્યો છે વિરોધ? જુઓ આ અહેવાલમાં....

સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, કેટલાક વિસ્તારોમાં આ વીજ મીટર લાગી ગયા છે. જ્યાં આ મીટર લાગ્યા છે ત્યાંના સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં MGVCLએ વડોદરાના અલગ અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે.

15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો.

લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.

શહેરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આંબેડકર સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી અને વીજ કંપનીઓ સામે ઉઘાડી લૂંટનો આક્ષેપ લગાવ્યો. જો સ્માર્ટ મીટર સંપૂર્ણ લાગુ કરવામાં આવ્યા તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ વીજ મીટરો લગાવતાં વ્યાપક ફરિયાદો ઉઠી છે. મીટરના છબરડાથી માંડીને વધુ વીજ બીલને લઈને વીજ કંપની અને પ્રજા વચ્ચે સંઘર્ષની સ્થિતિનું નિર્માણ થયુ છે. લોકોને આક્ષેપ છેકે, આ મીટરમાં લગભગ ડબલ બિલ આવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છેકે, સ્માર્ટ મીટરના નામે સરકાર સ્માર્ટ લૂંટ ચલાવી રહી છે.

હવે જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે છે શું?...શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. 

સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે.

સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.

સ્માર્ટ મીટરથી સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યાઓ સર્જાશે. સ્માર્ટ મીટરથી વીજળી સસ્તી પડતી હોવાનો લોકોનો દાવો. સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો લોકો છે દાવો, સાદા મીટરથી વીજળીનો બગાડ થતો હોવાનો દાવો. સ્માર્ટ મીટરથી વીજળીનો યોગ્ય ઉપયોગ થશે.

વર્ષ 2025 સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે. સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલા જે વીજ ચોરી થતી હતી તે બંધ થઈ જશે અને તેનાથી ફાયદો સરકારની તિજોરીને થશે. આ પૈસાનો ઉપયોગ દેશવાસીઓ માટે અન્ય યોજનાઓ માટે કરી શકાશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link