વરસાદ ખેંચાતા મહિલાઓએ મહાદેવને ડુબાડ્યા, ગુજરાતના ગામડાઓમાં આજે પણ જીવંત છે શિવજીને જળમગ્ન કરવાની પ્રથા
મહીસાગરના લુણાવાડાના વેલણવાડા ગામની મહિલાઓ દ્વારા લુણાવાડા નંદકેશ્વર મહાદેવ મંદિર પહોંચી શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો. મહિલાઓ દ્વારા મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરી શિવલિંગને જળમગ્ન કરાયું હતું. મહાદેવને ડુબાડી વરસાદ વરસાવવા પ્રાર્થના કરવામાં આવી. સાથે જ મહિલાઓ દ્વારા મંદિર પરિસરમાં શિવધૂન પણ બોલાવાઈ હતી. જિલ્લામાં ચાલુ સીઝનમાં નહિવત વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
વહેલી સવારે કાળા ડિંબાગ વાદળો ચડી આવતા ખેડુતોને એમ થાય છે કે હાલ વરસાદ તુટી પડશે પરંતુ બપોર થતામાં તો તડકો નીકળી જતા ગરમી વધી જાય છે. જેની અસર સીધી ખેતી ઉપર પડી રહી છે. જેઠ મહિનો પુરો થઇ ગયો અને અષાઢ મહિનો પુરો થશે તેમ છતા નદી નાળા, તળાવો ખાલીખમ છે. ખેડુતો અને લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અને હવે શિવમંદિરોમાં મહાદેવને રીઝવવા પાણીથી ડુબાડી રહ્યા છે.
પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદ ખેંચાતા વાવેતરને લઇને જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ચોમાસા દરમ્યાન માત્ર બે ત્રણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. તેના બાદ મેઘરાજા રિસાઈ જતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છૅ. મોંઘા ભાવની ખેડ, બિયારણ ખાતર પાછળ મોટા ખર્ચાઓ કરી પાક વાવેતર કર્યું, પણ હવે પાકને પાણીની તાતી જરૂરિયાત છે. વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે.
ગુજરાતના શિવાલયોમાં મહાદેવને રિઝવવા પાણીમાં ડૂબાડવાની અનોખી શ્રધ્ધા છે. વરસાદના સંકટ સમય વહેલો વરસાદ વરસે તેવી શ્રધ્ધા અને માન્યતા છે, અને વરસાદ માટે પ્રાર્થના કરવામા આવે છે. આ વર્ષે પણ વરસાદ ખેચાયો છે અને પરંપરાગત આવા કાર્યક્રમ કરે છે.