ઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રી
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, અમદાવાદનું મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી રહ્યું, જે સામાન્ય કરતા 2.1 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી વધુ 38.8 ડિગ્રી ડીસામાં નોંધાયું છે. તેમણે નવેમ્બર મહિનાને લઈ આગાહી કરી કે, આગામી એક મહિનામાં રાજ્યના લોકોને ઠંડીનો અનુભવ ઓછો થશે. સમગ્ર મહિના દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. જયારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડીની એન્ટ્રી થશે.
ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, પરંતુ આ વર્ષે શિયાળાની રાહ લાંબી થઈ રહી છે. જો કે દિવાળી બાદ હાલ વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે અને સવાર સાંજ થોડી ઠંડી પડી રહી છે. એટલું જ નહીં હાલમાં કેટલાક રાજ્યોમાં હળવા વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે કહ્યું કે, તમિલનાડુમાં આજે અને આવતીકાલે વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે 3 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. જરાતમાં અત્યારે ધીમે ધીમે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ મોટી આગાહી કરી છે કે તા. 10 નવેમ્બરથી 14 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે. તેમજ 22 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. 19 થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. આગાહી પ્રમાણે 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે. ત્યારે આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ છે.