WION Global Summit Photos: દક્ષિણ એશિયાની પ્રગતિના મુદ્દે વિશ્વના ટોચના નેતાઓની ચર્ચા

Thu, 21 Feb 2019-12:17 am,

યુનાઈટેડ આરબ અમિરાતના કેબિનેટના સભ્ય અને ટોલેરન્સ મંત્રી હીઝ એક્સલન્સી શેખ નાહયાન મુબારક અલ નાહયાન દ્વારા આ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. WIONના એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુંહતું. શેખ નાહયાન આ સમારંભના મુખ્ય અતિથી અને ગેસ્ટ ઓફ ઓનર હતા. તેમણે જણાવ્યું કે, દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ભારતનું મહત્વ વધી રહ્યું છે અને તેની સાથે જ વૈશ્વિક બાબતોમાં તેના વધતા કદ અંગે વ્યૂહાત્મક દૃષ્ટિકોણની જરૂર છે. ભારતની આ સ્થિતિ દક્ષિણ એશિયાના વિસ્તારમાં નવી સંભાવનાઓ પેદા કરે છે. આ વિસ્તારના વ્યાપારિક અને આર્થિક વાતાવરણ, વૃદ્ધિ અને વિકાસનું વાતાવરણ બનાવવા માટે તમામ સ્તરના પ્રયાસ કરવા પડશે. યુએઈના ભારત અને અન્ય એશિયન દેશો સાથે સારા સંબંધો છે. સ્થાનિક અને વૈશ્વિક સુરક્ષામાં તેની મહત્વની ભૂમિકા છે. 

આધ્યાત્મિક ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદુગુરુએ WION Global Summitમાં જણાવ્યું કે, જ્યાં માનવી સંઘર્ષ પેદા થવાની સ્થિતિ હોય ત્યાં વ્યવહારિક કઠણાઈઓનો અન્ય પદ્ધતિથી ઉકેલ લાવવાની જરૂર છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, લોકશાહીમાં દરેકની લાગણીઓ અને વિચારોને મહત્વ આપવું જોઈએ. જોકે, અનેક વખત આમ કરવું મુશ્કેલ હોય છે. તેમણે ભાર મુકીને કહ્યું કે, દક્ષિણ એશિયાનું ભવિષ્ય સતત વિકાસમાં રહેલું છે. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારમાં દુનિયાના 33 ટકા કુપોષિત બાળકો રહે છે. આંતરરાષ્ટ્રીય પત્રકાર રિઝ ખાન સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની લોકો પણ કાશ્મીરી લોકોની ભલાઈ ઈચ્છે છે એ વાત સાથે હું સહમત છું. આપણે જ્યારે સમસ્યામાં રોકાણ કરીએ છીએ, ત્યારે સમસ્યાઓ વધતી જાય છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી મનિષ તિવારી અને વિદેશી બાબતોના વિભાગના ઈનચાર્જ ભાજપના વિજય ચૌથાઈવાલે પણ આ કાર્યક્રમના વક્તાઓમાંના મુખ્ય હતા. મનીષ તિવારીએ જણાવ્યું કે, અરબી સમુદ્રના કિનારાઓનો સમૃદ્ધિ માટે ઉપયોગ કરવા માટે ઘરેલુ રાજકારણને બાજુ પર મુકવું પડશે. વિજયે જણાવ્યું કે, દેશની સાર્વભૌમક્તા જાળવી રાખવા માટે અને વિકાસના પંથે લઈ જવા માટે પડોશી દેશો સાથે ભાઈચારો જરૂરી છે. 

WIONના એડિટર ઈન-ચીફ સુધીર ચૌધરીએ સમિટ દરમિયાન ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ સાથે હળવી ચર્ચા કરી હતી.   

નેધરલેન્ડ્સના પૂર્વ ભારતીય રાજદૂત અને યુનેસ્કોના ભારતના કાયમી પ્રતિનિધી ભાસવતી મુખરજી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, "ભારતનું વલણ ચીન જેટલું અસરકારક નથી. ચીન નાના દેશોનાં દેવામાં મદદ કરીને ભારતને ચારે તરફથી ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે. માલદીવ્સ જેવા રાષ્ટ્રમાં ભારતે ટકાઉ વિકાસનાં પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું છે. આ બાબત આફ્રિકાના દેશોના વલણ પરથી સમજી શકાય છે, જેઓ ચીન અને ભારત બંને સાથે જુદું-જુદું વલણ અપનાવે છે."

હડસન ઈન્સ્ટીટ્યુટના દક્ષિણ અને મધ્ય એશિયાના ડિરેક્ટર હુસૈન હક્કાની પણ આ સમિટમાં હાજર રહ્યા હતા. તેઓ વર્ષ 2008થી 2011 દરમિયાન અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. હુસૈન હક્કાનીએ જણાવ્યું કે, "સબ-કન્વેન્શનલ યુદ્ધની રણનીતિ હવે નિષ્ફળ થઈ ચૂકી છે. એક દેશ કોઈ અન્ય દેશના રાજ્ય પોષિત આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, પરંતુ બીજા આવા જ કોઈ દેશને પોતાના સ્વાર્થ માટે આવું કહી શકાય નહીં. આ બાબતે સાંમજસ્ય હોવું જરૂરી છે."

જનરલ બિક્રમ સિંઘ અને કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ સમિટ પહેલા હળવી ક્ષણો માણી હતી. દક્ષિણ એશિયામાં શાંતિની સ્થાપના માટે રાજ્ય પોષિત આતંકવાદનો મૂળિયા સાથેના સર્વનાશ ("Uprooting state-sponsored terrorism: An imperative for peace in South Asia") વિષય પર આયોજિત પેનલ ડિસ્કશનમાં બિક્રમ સિંઘે જણાવ્યું કે, "આપણે લાંબા સમય સુધી આદર્શવાદી એજન્ડા અપનાવ્યો છે. તમે વારંવાર ગાલ આગળ ધરીને લાફો ખાઈ શકો નહીં. આતંકવાદના કેન્દ્રને વધુ સમસ્યાઓ ઊભી કરવાની મંજૂરી ન આપવી જોઈએ. આપણે પાકિસ્તાનનો સામનો કરવો જોઈએ."

દુબઈમાં આયોજિત WION Global Summitમાં ભાગ લેવા આવેલા દક્ષિણ એશિયાના દેશોનાં વિવિધ નેતાઓએ કે જેમાં કોંગ્રેસના નેતા મનીષ તિવારી, ભારતના પૂર્વ લશ્કરીક જનરલ બિક્રમ સિંઘ સહિતના નેતાઓએ ગ્રૂપ ફોટો સેશન કરાવ્યું હતું. 

WION Global Summit માં દક્ષિણ એશિયાના દેશોનાં 100થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કોઈને પણ અડચણ ન પડે તેના માટે દરેકને વિશેષ ઓળખપત્ર આપવામાં આવ્યું હતું. આ ઓળખપત્રના વિતરણ માટે એક અલાયદી ડેસ્ક બનાવાઈ હતી અને તમામ પ્રતિનિધિઓનું સહર્ષ સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link