હિન્દુસ્તાન બહાર પણ વસે છે હૈદરાબાદ, કલકત્તા, અને લખનઉ! જાણો વિદેશની ધરતી પર રહેલા ભારતીય નામના શહેરો વિશે
ભારતના હૈદરાબાદને કોણ નહીં જાણતું હોય?. નવાબની આ નગરી એક ખાસ વિશેષતા ધરાવે છે. અહીંની ખાસ હૈદરાબાદી બિરયાનીએ સ્વાદના શોખીનોના દિલ જીત્યા છે. હવે આવું જ હૈદરાબાદ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલું છે. પાકિસ્તાનના સિંધ પ્રાંત આ શહેર વસેલું છે, જેને ત્યાંના લોકો હૈદરઅલીના નામથી પણ ઓળખે છે. સૌથી મોટી વાત તો એ છે કે આ શહેરમાં ચારમિનાર પણ આવેલો છે.
દરિયા કાંઠે વસેલું ભારતનું કોચ્ચિ ઈન્ડિયન નેવી માટે સૌથી ખાસ છે. તો પોતાની સુંદરતા, શાંત વાતાવરણ માટે દેશભરના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર હંમેશાથી રહ્યું છે. કંઈક આવું જ એક કોચ્ચિ ભારતના મિત્ર રાષ્ટ્ર જાપાનમાં પણ આવેલું છે. જાપાનના શિકોકૂ આઈલેન્ડ પર આવેલું કોચ્ચિ પોતાના સી ફૂડ્સ માટે ખુબ જ જાણિતુ છે.
વિશ્વમાં સૌથી વધારે મુસ્લિમોની વસ્તી ધરાવતો દેશ એટલે ઈન્ડોનેશિયા. આ દેશમાં આવેલું એક શહેર કે જ્યાં તમને મીની હિન્દુસ્તાન અને હિન્દુત્વના દર્શન થાય...આ શહેર એટલે ઈન્ડોનેશિયાનું બાલી. બાલીમાં સૌથી વધારે હિન્દુ મંદિરો આવેલા છે, જેના કારણે અહીં ભારતીયો પર્યટકો મોટી સંખ્યામાં જોવા મળી જાય છે. હવે આજ નામનો એક તાલુકો આપણા હિન્દુસ્તાનમાં છે, જે રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલો છે.
અમેરિકામાં પણ એક કલકત્તા આવેલુ છે. જે વર્ષ 1810માં વેસ્ટ યૂનિયનના નામથી ઓળખાતું હતું, વિલિયમ ફોક્સ જેમણે અહીં પહેલી વખત ઈંટનું પાક્કુ મકાન બનાવ્યું હતું, જેના કારણે નામ ફોક્સટાઉન પણ પડ્યું હતું, પરંતુ અનેક વખત નામ બદલ્યા પછી અંતે નામ કલકત્તા રાખવામાં આવ્યું છે. વર્ષ 1838માં અહીં કલકત્તા નામથી પોસ્ટ ઓફિસ પણ ખુલી હતી જે 1913 સુધી ચાલુ હતી.
નવાબોની નગરી લખનઉને કોઈ ન ઓળખતું હોય તેવું ન બને. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ તમને અમેરિકામાં પણ મળી જશે. તમને નવાઈ લાગતી હશે પણ આ 100 ટકા સત્ય છે. અમેરિકાનું લખનઉ કૈસલ ઈન ધ કલાઉડ્સ નામથી પણ ઓળખાય છે જે ભારતના લખનઉના જેવું જ ખુબ જ સુંદર અને રમણીય છે.
તમે ઓસ્ટ્રેલિયા વિશે તો જાણતા જ હશો, ઓસ્ટ્રેલિયા તેની ક્રિકેટ અને કાંગારુને કારણે ખુબ જ પ્રચલિત દેશ છે. ભારતીયો મોટી સંખ્યામાં અહીં વસવાટ કરે છે. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન, સિડની જેવા નામ તો તમે સાંભળ્યા હશે પરંતુ અહીં ઠાણે નામનું પણ એક શહેર છે. જે ઓસ્ટ્રેલિયાના ક્રીંસલેન્ડમાં આવેલું છે. તમે ભારતમાં આવેલા ઠાણે વિશે તો જાણતા જ હશોને?, ભારતમાં ઠાણે મહારાષ્ટ્રનું એક પ્રમુખ શહેર છે.
ભારતનું પટણા એટલે એવું શહેર કે જ્યાંથી તમને દેશના સૌથી મોટા અધિકારીઓ એટલે કે IAS, IPS મળી જશે. આ અધિકારી બનવું દરેક યુવાઓનું સપનું હોય છે પરંતુ ગણ્યાગાંઠ્યા લોકો જ આ સફળતા મેળવી શકે છે. બિહારની રાજધાની પટણા તમને સાત સમુદ્ર પાર સ્કૉટલેન્ડમાં પણ જોવા મળી જશે. યુનાઈટેડ કિંગ્ડમનો ભાગ સ્કૉટલેન્ડ એક સુંદર દેશ છે અને અહીં વસે છે પટણા શહેર. વિલિયમ ફુલર્ટન નામના એક વ્યક્તિએ પોતાના ત્યાં કામ કરતા લોકોને રહેવા માટે આ શહેર બનાવ્યું હતું અને તેનું નામ પટણા રાખ્યું હતું. હવે સૌથી મોટી વાત એ છે કે આ શહેરના સ્થાપક વિલિયમનો જન્મ ભારતના પટણામાં થયો હતો, તેથી જ તેમણે પોતાના દેશમાં વસાવેલા શહેરનું નામ પટણા રાખ્યું.