કહાની દુનિયાના સૌથી નાના યુદ્ધની...જાણો ગણતરીની મિનિટોમાં કઈ રીતે થયો હાર-જીતનો ફેંસલો

Fri, 04 Oct 2024-11:38 am,

Zanzibar War: ઈતિહાસનાં પાનામાં, ઘણાં એવા યુદ્ધો વિશે વાંચવા મળે છે. જે વર્ષો સુધી ચાલ્યા છે, પ્રથમ વિશ્વ યુદ્ધ 4 વર્ષ અને બીજુ વિશ્વયુદ્ધ 6 વર્ષ સુધી ચાલ્યું. પરંતુ ઈતિહાસમાં એક યુદ્ધ એવુ પણ થયુ છે, જે ફક્ત 38 મિનિટમાં જ પૂરુ થઈ ગયુ. કારણકે આટલા ઓછા સમયમાં જ દુશ્મનોએ ઘૂંટણ ટેકવી દીધા હતા. આ યુદ્ધને ઈતિહાસના ટૂંકા યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ યુદ્ધ ઇંગ્લેંડ અને ઝાંઝીબાર વચ્ચે થયું હતું. ઝાંઝીબાર એક દ્વીપસમૂહ છે અને હાલમાં તાન્ઝાનિયાનો અર્ધ સ્વાયત હિસ્સો છે. આ વાત 1890ની છે, જ્યારે ઝાંઝીબારે બ્રિટન અને જર્મની વચ્ચે સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિને કારણે, ઝાંઝીબાર પર બ્રિટનનો કબજો થઈ ગયો હતો. જ્યારે તાન્ઝાનિયાનો મોટાભાગનો હિસ્સો જર્મનીના ભાગમાં જતો રહ્યો.

સંધિ પછી, બ્રિટને ઝાંઝીબારની સંભાળની જવાબદારી જિમ્મા હમદ બિન થુવૈનીને સોંપી હતી. જવાબદારી મળ્યા બાદ થુવૈનીએ પોતાને ત્યાંના સુલતાન જાહેર કર્યા હતા. હમાદ બિન થુવૈનીએ 1893થી 1896 સુધી ત્રણ વર્ષ શાંતિપૂર્ણ અને જવાબદારીપૂર્વક ઝાંઝીબાર પર શાસન કર્યુ. પરંતુ 25 ઓગસ્ટ 1896ના રોજ તેમનું અવસાન થયું. ત્યારબાદ થુવૈનીના ભત્રીજા ખાલિદ બિન બારગશે પોતાને ઝાંઝીબારનો સુલતાન જાહેર કર્યો અને ઝાંઝીબારની સત્તા પર કબજો કર્યો. એવું કહેવામાં આવે છે કે સત્તા પચાવી પડવા માટે ખાલિદે જ હમાદ બિન થુવૈનીને ઝેર આપ્યું હતું.

ઝાંઝીબાર પર મૂળ કબ્જો બ્રિટનનો હતો. એવામાં મંજૂરી વગર જ ખાલિદ બિન બાર્ગશની ઝાંઝીબારની સત્તા પચાવી પાડવાની વાત બ્રિટનને પસંદ ન આવી. જેથી બ્રિટને ખાલિદને સુલતાન પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો. ખાલિદે બ્રિટનનાં આદેશની અવગણના કરી, ઉપરથી પોતાની અને મહેલની સુરક્ષા માટે તેણે ચારેબાજુ લગભગ ત્રણ હજાર સૈનિકોને તૈનાત કર્યા. જ્યારે બ્રિટનને આ વિશે ખબર પડી, ત્યારે તેણે ફરી એકવાર ખાલિદને સુલતાનનું પદ છોડી દેવા કહ્યું, પરંતુ ખાલિદે આમ કરવા મનાઈ ફરમાવી દીધી.

ઝાંઝીબારને ફરીથી પોતાના અધિકારમાં લાવવા માટે બ્રિટન પાસે એક જ રસ્તો બચ્યો હતો અને તે રસ્તો હતો યુદ્ધનો. બ્રિટને યુદ્ધની સંપૂર્ણ તૈયારી અને વ્યૂહરચના સાથે ઝાંઝીબાર પર હુમલો કરવા માટે પોતાનું નૌકાદળ મોકલ્યું. 27 ઓગસ્ટ 1896ની સવારે, બ્રિટીશ નૌકાદળોએ પોતાના જહાજમાંથી ઝાંઝીબારના મહેલ પર બોમ્બમારો શરૂ કર્યો અને મહેલનો નાશ કરી દીધો. માત્ર 38 મિનિટમાં જ યુદ્ધ વિરામની ઘોષણા થઈ અને યુદ્ધનો અંત આવી ગયો. આ યુદ્ધને ઈતિહાસનું સૌથી ટૂંકું યુદ્ધ માનવામાં આવે છે.

ડિસેમ્બર 1963માં ઝાંઝીબાર બ્રિટનથી સ્વતંત્ર થયો. પરંતુ તેના એક મહિના પછી અહીં લોહિયાળ ક્રાંતિ થઈ. એવું કહેવામાં આવે છે કે આ ક્રાંતિમાં હજારો અરબ અને ભારતીય લોકો માર્યા ગયા હતા અને હજારો લોકોને ઝાંઝીબારથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ પછી ઝાંઝીબાર અને પેમ્બા ગણતંત્રની સ્થાપના થઈ. થોડા મહિના પછી, આ ગણરાજ્યને તાન્ઝાનિયામાં શામેલ કરવામાં આવ્યો. ત્યારબાદ ઝાંઝીબારને યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયા નામ આપવામાં આવ્યું. જોકે ઝાંઝીબાર હજુ પણ તાન્ઝાનિયાનું એક અર્ધ સ્વાયત ક્ષેત્ર છે. અહીં એક અલગ સરકાર છે, જેને ‘ઝાંઝીબારની ક્રાંતિકારી સરકાર’ તરીકે ઓળખવામાં આવે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link