YOGA DAY 2019 : ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડીને ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક સહિત અનેક સ્થળોએ થઈ ઉજવણી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સાંજે 6.00 કલાકે 'સાંધ્ય યોગ'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે 1000થી વધુ સંતોએ ભાગ લીધો હતો. વિશ્વની સૌથી ઊંચી એવી કેવડિયા કોલોની ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં સાંધ્ય યોગમાં સાધુ-સંતોએ યોગ નિદર્શન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.
વિશ્વની સૌથી ઊંચી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે આ પ્રથમ વખત સામુહિક યોગનું આયોજન કરાવામાં આવ્યું હતું. સામુહિક યોગના કાર્યક્રમના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાંજે 4.00 કલાકે બહારના મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયું હતું. અહીં 1000થી વધુ સંતોએ સામુહિક યોગ નિદર્શન કર્યું હતું.
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં વિધાનસભાની સામેના ભાગમાં બનાવવામાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડમાં શહેરની 15 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ સામુહિક યોગ કર્યા હતા.
બનાસકાંઠાના સુઈ ગામ ખાતે આવેલી ભારત-પાકિસ્તાનની બોર્ડર પર ભારતીય સેનાના જવાનોએ યોગ કર્યા હતા. આ પ્રસંગે તેમણે યોગાસનની સાથે અંગ્રેજીમાં યોગ શબ્દ લખીને બનાવ્યો હતો.
ભારતમાં યોગ પરંપરા 5000 વર્ષ પૂરાણી છે. દેશમાં સાધુ-સંતો અને કસરત બાજો વર્ષોથી યોગાસનો કરતા આવ્યા છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આયોજિત સામુહિક યોગના કાર્યક્રમમાં મલ્લખંભ પર યોગ કરીને યુવાનોએ લોકોને ચકિત કરી દીધા હતા.
રાજ્યમાં ઐતિહાસિક સ્મારકો, કિલ્લાઓ, પ્રાચીન વાવ સહિતના અનેક સ્થળોએ સામુહિક યોગ કરવામાં આવ્યા હતા.
વડોદરાના પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના પટાંગણમાં વિદ્યાર્થીઓએ સામુહિક યોગ નિદર્શન કર્યું હતું.
તાજેતરમાં જ મહિસાગર જિલ્લાના રૈયોલીમાં ખુલ્લા મુકવામાં આવેલા ડાયનાસોર મ્યુઝિયમના પટાંગણમાં પણ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પ્રાચીન ઐતિહાસિક સ્મારક એવી અડાલજની વાવમાં પણ સામુહિક યોગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.
રાજ્યના ભાવનગર ખાતે આવેલા એકમાત્ર જહાજ ભાંગવાના સ્થાન અલંગ શિપયાર્ડમાં પણ અહીં કામ કરતા કર્મચારીઓએ સામુહિક યોગનું આયોજન કર્યું હતું.
અમદાવાદની ઓળખ ગણાતી એવી સીદી સૈયદની જાળી ખાતે પણ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, જૂના અમદાવાદ શહેરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હેરિટેજ સીટીનો દરજ્જો આપવામાં આવેલો છે.
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આવેલા વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં પણ સામુહિક યોગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
અમદાવાદની ઓળખ સમાન ભદ્રના કિલ્લા ખાતે પણ સામુહિક યોગનું આયોજન કરાયું હતું. અહીં, શહેરની મ્યુનિસિપાલિટીની શાળાના વિદ્યાર્થીઓએ સામુહિક યોગાસન કર્યા હતા.
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા અને યોગાસન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં યોગ બોર્ડ રચવાની જાહેરાત કરી હતી.