Photos : જુઓ ગુજરાતના પ્રખ્યાત સ્થળોએ યોગ દિવસ પર કેવા કેવા નજારા બન્યા
ભૂજના બીએસએફ કેમ્પસમાં યોગ શિબિર યોજાઈ હતી, જેમાં સરહદ પર રહેતા જવાનોને માનસિક તણાવથી મુક્તિ માટે તાલીમ આપવામાં આવી હતી. ધ્યાન યોગના બતાવ્યા ફાયદા માનસિક સમતુલા જાળવી રાખવામાં યોગ ઉપયોગી થાય છે તેવુ તેમને શીખવાડવામાં આવ્યું હતું. બીએસએફના જવાનોએ યોગ અને પ્રાણાયામ કર્યા હતા.
પોરબંદરમા જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ ઘૂઘવતા દરિયા કિનારે આવેલ ચોપાટી ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના પ્રભારી અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડા અને ધારાસભ્ય બોખીરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ યોગ કર્યા હતા. કાર્યક્રમમાં પોરબંદરના શહેરીજનો તેમજ અધિકારીઓ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ,પોલીસ અને એનજીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 5 હજારથી વધુ લોકોએ ચોપાટી ખાતે એકસાથે યોગા કર્યા ત્યારે અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ગાંધી જન્મભૂમિ કીર્તિમંદિર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને શહેરની વિ.જે.મોઢા કોલેજ તેમજ આરજીટી કોલેજ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કીર્તિમંદિરના પટાંગણમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
યોગના વિવિધ પ્રકારોમાંથી એક એરિયલ યોગનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેની શરૂઆત એન્ટીગ્રેવીટી નામની બ્રાન્ડ દ્વારા વિશ્વભરમાં કરવામાં આવી છે. જોવામાં અઘરું લાગતું એવું એરિયલ યોગા હકીકતમાં ખૂબ જ સરળ છે. ત્યારે અમદાવાદમાં આ યુનિક પ્રકારના યોગા કરવામાં આવ્યા હતા.
આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મનપા દ્વારા સતત ત્રીજા વર્ષે એકવા યોગનું આયોજન કરાયું હતું. જેમાં 853 મહિલાઓએ પાણીમાં યોગ કરી આ દિવસની અનોખી ઉજવણી કરી હતી. એક્વા યોગમાં 5 વર્ષથી લઇને 83 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ યોગમાં જોડાઈ એકવા યોગમાં ભાગ લીધો હતો.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અનોખી રીતે યોગ દિવસ ઉજવાયો. મહાત્મા મંદિર અને દાંડી કુટીર વચ્ચેના બ્રિજ ઉપર ગાંધીજીના પહેરવેશ સાથે યુવાનોએ યોગ કર્યો. મહાત્મા ગાંધીના વેશભૂષા સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરાઈ
ગુજરાતનુ પવિત્ર યાત્રાધામ અને જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરના પરિસરમાં પણ યોગ ડે ઉજવાયો. વેરાવળની તમામ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોલીસ સ્ટાફ, વહીવટી તંત્રના કર્મચારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાએ રમત ગમત વિભાગમાં ઉત્તીર્ણ થયેલ ખેલાડીઓને સન્માનિત કરાયા.