Tulsi Vivah Katha: કેમ મળ્યો હતો ભગવાન વિષ્ણુને શ્રાપ અને કેમ કરવા પડ્યા હતા તુલસી સાથે વિવાહ? વાંચો આ પૌરાણિક કથા
એવું કહેવાય છે કે તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાનનું પુણ્ય મળે છે. તુલસીને વિષ્ણુપ્રિયા કે હરિપ્રિયા પણ કહેવામાં આવે છે. કારતક સુદ દ્વાદશીથી કારતક પુર્ણિમા સુધી તુલસી વિવાહનું આયોજન થતું હોય છે. જાણો તુલસી વિવાહની કથા અને તેનું મહત્વ.
કારતક મહિનો તુલસી પૂજા માટે ખુબ જ ખાસ ગણવામાં આવે છે. આ મહિનામાં સુદ પક્ષની એકાદશી કે દ્વાદશી તિથિના રોજ તુલસી વિવાહ કરાવવામાં આવે છે. આ દિવસે તુલસી માતાનો ભગવાન વિષ્ણુ સાથે શાલિગ્રામ સ્વરૂપે વિધિ વિધાનથી વિવાહ કરાવવામાં આવે છે. આ દિવસથી લગ્ન-વિવાહ સહિત તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે કારતક માસની સુદ દ્વાદશી તિથિ 12 નવેમ્બર 2024ના રોજ સાંજે 4.04 વાગે શરૂ થશે અને બીજા દિવસે 13 નવેમ્બરે બપોરે 1.01 વાગે સમાપ્ત થશે. આથી ઉદયાતિથિ મુજબ 13 નવેમ્બરે તુલસી વિવાહ થશે પરંતુ અનેક જગ્યાએ આજે દેવઉઠી એકાદશી નિમિત્તે મંદિરો અને સંસ્થાઓમાં તુલસી વિવાહનું આયોજન થઈ રહ્યું છે.
એવું કહેવાય છે કે તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાનનું પુણ્ય મળે છે. તુલસીને વિષ્ણુપ્રિયા કે હરિપ્રિયા પણ કહેવામાં આવે છે. કારતક સુદ દ્વાદશીથી કારતક પુર્ણિમા સુધી તુલસી વિવાહનું આયોજન થતું હોય છે. જાણો તુલસી વિવાહની કથા અને તેનું મહત્વ.
તુલસી વિવાહની કથા
પૌરાણિક કથા મુજબ એકવાર શિવે પોતાનું તેજ સમુદ્રમાં ફેંકી દીધુ હતું. તેના ગર્ભથી એક તેજસ્વી બાળકે જન્મ લીધો. આ બાળક આગળ જઈને જલંધર નામનો એક શક્તિશાળી રાક્ષસ રાજા બન્યો. તેના રાજ્યનું નામ જલંધર નગર હતું. દૈત્યરાજ કાલનેમિની પુત્રી વૃંદાના વિવાહ જલંધર સાથે થયા હતા. જલંધ એક મહાન રાક્ષસ હતો. તેણે પોતાના પરાક્રમ માટે માતા લક્ષ્મીને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી યુદ્ધ કર્યું. પરંતુ તેનો જન્મ સમુદ્રથી થયો હતો એટલે દેવી લક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યો. હવે પરાજિત થયા બાદ તે દેવી પાર્વતીને પામવાની ઈચ્છાથી કૈલાશ પર્વત પર ગયો.
અહીં તેણે શંકર ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું અને દેવી પાર્વતી પાસે પહોંચ્યો. પરંતુ માતા પાર્વતીએ પોતાના યોગ બળથી તેને તરત ઓળખી લીધો અને માતા પાર્વતી તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. પછી જલંધર ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા લાગ્યો. દેવી પાર્વતી ક્રોધિત થયા અને તેમણે ભગવાન વિષ્ણુને વાત કરી. જલંધરની પત્ની વૃંદા ખુબ ધાર્મિક અને પતિવ્રતા સ્ત્રી હતી. તેના પતિવ્રત ધર્મની શક્તિથી જલંધરને નષ્ટ કરી શકાતો નહતો કે પરાજિત કરી શકાતો નહતો. આથી તેનો નાશ કરવા માટે વૃંદાના પતિધર્મને તોડવો જરૂરી હતો.
ભગવાન વિષ્ણુ ઋષિનો અવતાર લઈને જંગલમાં પહોંચ્યા. વૃંદા એકલી તે જંગલમાંથી પસાર થઈ રહી હતી. વિષ્ણુ સાથે બે રાક્ષસ પણ હતા જેમને જોઈને તે ડરી ગઈ. ઋષિએ વૃંદા સામે જ તે બંનેને તરત મારી નાખ્યા. તેમની શક્તિ જોઈને વૃંદાએ પોતાના પતિ વિશે પૂછ્યું જે કૈલાશ પર્વત પર મહાદેવ જોડે યુદ્ધ કરી રહ્યા હતા. ઋષિએ પોતાની માયાજાળથી બે વાનર પ્રગટ કર્યા. એક વાનરના હાથમાં જલંધરનું માથું હતું અને બીજાના હાથમાં તેનું ધડ. પોતાના પતિની આ હાલત જોઈને વૃંદા બેહોશ થઈ ગઈ. હોશમાં આવ્યા બાદ તેણે ઋષિ દેવને પોતાના પતિને જીવિત કરવાની પ્રાર્થના કરી.
ભગવાને પોતાની માયાથી પુર્ન જલંધરનું માથું તેના શરીર સાથે જોડી દીધુ પરંતુ પોતે પણ તેના શરીરમાં પ્રવેશ કરી ગયા. વૃંદાને આ માયાજાળનો જરાય અંદાજો નહતો. વૃંદા ભગવાન સાથે એક પત્ની જેવો વ્યવહાર કરવા લાગી જેના કારણે તેની પવિત્રતા નષ્ટ થઈ ગઈ. આમ થતા જ વૃંદાનો પતિ જલંધર યુદ્ધમાં હારી ગયો. જ્યારે વૃંદાને આ બધી લીલાની ખબર પડી તો તેણે ગુસ્સે થઈને ભગવાન વિષ્ણુને નિર્દયી શિલા બનવાનો શ્રાપ આપ્યો. વિષ્ણુએ પોતાના ભક્તનો આ શ્રાપ સ્વીકારી લીધો અને શાલિગ્રામ શિલામાં અંતરર્ધ્યાન થઈ ગયા.
બ્રહ્માંડના રચયિતા પથ્થરના કારણે બ્રહ્માંડમાં અસંતુલનની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. તમામ દેવતાઓએ ભગવાન વિષ્ણુને વૃંદાના શ્રાપથી મુક્ત કરવાની પ્રાર્થના કરી. વૃંદાએ વિષ્ણુને શ્રાપથી મુક્ત કરી દીધા અને આત્મદાહ કરી લીધો. જ્યાં વૃંદાને બાળવામાં આવી ત્યાં તુલસીનો છોડ ઉગી ગયો.
ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું કે હે વૃંદા તમારી પવિત્રતાને કારણે તમે મને લક્ષ્મી કરતા પણ વધુ પ્રિય થઈ ગયા છો. હવે તમે તુલસી સ્વરૂપે હંમેશા મારી સાથે રહેશો. ત્યારથી દર વર્ષે કારતક માસમાં દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહની ઉજવણી થાય છે. જે કોઈ મારા શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસીના વિવાહ કરશે તેને પરલોકમાં પ્રચુર સફળતા અને અપાર સિદ્ધિ મળે છે.
આ ઉપરાંત તુલસીને વરસાદ મળેલું છે કે જે ઘરમાં તુલસી રહેશે ત્યાં યમના દૂત પણ અકાળે જઈ શકશે નહીં. મૃત્યુ સમયે જેના પ્રાણ મંજરી સહિત તુલસી અને ગંગાજળ મુખમાં રાખીને નીકળશે તે પાપોથી મુક્ત થઈને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરશે. જે મનુષ્ય તુલસી અને આંબળાની છાયામાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરશે તેમના પિતૃ મોક્ષ પ્રાપ્ત કરશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)