• રૂપાલ ખાતે પરંપરાગત પલ્લીને લઈ તૈયારીઓ

  • રૂપાલ વરદાયીની માતાના મંદિર ખાતે નોમ ના દિવસે નીકળશે રૂપાલની પલ્લી 

  • રૂપાલમાં રાત્રે ૧૨ વાગ્યે નીકળશે વરદાયીની માતાની પલ્લી

  • રામાયણ અને મહાભારત સાથે રૂપાલની પલ્લીનું શું છે કનેકશન? 


હિતલ પારેખ, ગાંધીનગરઃ પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. વરદાયીની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથાઓ જોડાયેલી છે. તેના વિશે પણ જાણીશું. હાલ ગાંધીનગર જિલ્લામાં આવેલાં રૂપાલ ગામમાં માતાજીની પલ્લીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે રૂપાલ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રમુખ નીતિન પટેલે જણાવ્યું હતુંકે, દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે આરોગ્ય, વાહન પાર્કિંગ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. રૂપાલમાં ઘી ચઢાવવાની વર્ષોથી ચાલતી પરંપરા છે. ઘી ચઢાવવાની માનતા દર્શનાર્થીઓ રાખતા હોય છે. પલ્લી પર ચઢાવાયેલું ઘી ચોક્કસ સમાજના લોકો દર વર્ષે લઈ જાય છે. પરંપરાગત માન્યતા અને વ્યવસ્થામાં અમારે ફેરફાર કરવાનો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલ પલ્લીની હાઈલાઈટ્સઃ


  • આગમી 11 મી ઓક્ટોબરના રૂપાલ ગામ ખાતે નીકળશે પલ્લી

  • રૂપાલ ગામ ખાતે આવેલ વરદાયિની માતાજી ની નીકળશે પલ્લી

  • દર પૂનમે પલ્લી ખાતે ભરાય છે મેળો

  • દરરોજ અંદાજે સરેરાશ 1 હજાર અને પૂનમના 1 લાખ અને પલ્લીના મેળા માં 10 લાખ ભક્તો દર્શનનો લાહવો લે છે.

  • પલ્લીના મેળાને લઈને મંદિર વહીવટી તંત્ર દ્રારા તમામ ત્યારીઓ પૂર્ણ કરી છે.

  • રાતે 12 વાગ્યે પલ્લી ગામમાં નીકળશે

  • રૂપાલ ગામના 27 જેટલા ચકલાઓ આગળ પલ્લી ઉભી રહે છે.

  • જ્યાં જ્યાં પલ્લી ઉભી રહે છે ત્યાં ભક્તો પલ્લી પર ઘી નો ચઢાવો કરે છે.

  • રૂપાલ ગામની વિવિધ જાતિ અને જ્ઞાતિઓ પલ્લી એક થઈને બનાવે છે.


રૂપાલના માતાજીએ રામને રાવણવધ માટે આપ્યું હતું અમોઘ શક્તિ અસ્ત્રઃ
વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો. 


પલ્લીમાં અલગ અલગ જાતિના લોકો નિભાવે છે વિશેષ ભૂમિકાઃ


  • વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપે છે.

  • સુથાર ભાઈઓ પલ્લી ઘડે છે..

  • વાંળદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે.

  • કુંભાર ભાઈઓ કૂંડા છાદે છે.

  • માળી ભાઈઓ ફુલથી શણગાર કરે છે.

  • મુસ્લિમ ભાઈઓ પીજારા ભાઈઓ કૂંડા માં કપાસ પૂરે છે

  • પચોળી ભાઈઓ માતાજીના નિવેદ માટે સ્વ મણ ખીચડો બનાવે છે.

  • ચાવડા ભાઈઓ પલ્લી ની રક્ષા માટે ખુલ્લી તલવાર લઈને રક્ષા કરે છે

  • ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરે છે.

  • પાટીદાર ભાઈઓ પલ્લીની પૂજા આરતી કરીને પલ્લી ના કૂંડા માં અગ્નિ પ્રગટાવે છે 

  • ગત વર્ષે કુલ 32 કરોડ રૂપિયાનું ઘી ગત વર્ષે પલ્લીના મેળામાં પલ્લી પર ચઢ્યું હતું

  • વર્ષો થી રૂપાલ ગામ ખાતે ચાલવતી પલ્લીની પરંપરા છે.

  • પલ્લીના મેળામાં રૂપાલ ગામમાં ઘી ની નદીઓ વહે છે.


મહાભારત સાથે રૂપાલની પલ્લીનું શું છે કનેક્શન?
પાંડવ કાળની વાત કરવામા આવેતો જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. ત્યારથી અહીં માતાજીની પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે. 


અહીં શત્રુના પુતળાનો વધ કરીને રાજા સિદ્ધરાજ જયસિંહે પુરી કરી હતી પ્રતિજ્ઞાઃ
ગુજરાતના સુવર્ણ કાળ કહેવાતા સોલંકી યુગની દંત કથા પણ પલ્લી સાથે જોડાયેલી છે. કળીયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવાર્માએ અવગણના કરતા તેની સાથે વેર બાંધતા, એમણે તેઓ યશોવાર્માનો વધ ન કરે ત્યાર સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞાલઈ અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા પ્રયાસ કર્યો. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો, તે અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર પાસે હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞથી ચિતિત અવસ્થામાં નીંદરાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્ન દર્શન આપી કહ્યુ, સવારે ઉઠી ગયાના છાણાનો કિલ્લો બનાવી, તેમાં અડદના લોટનું શત્રુનું પુતળુ બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે. આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે ત્યારબાદ તું મળવા પર ચઢાઈ કરજે. માના આશીર્વાદથી યુદ્ધમાં યાશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સિદ્ધરાજજયસિંહે રૂપાલ આવી માતાજીની પુજા નવેસરથી મંદિર બનાવી, માતાજીની મુર્તિ બનાવીતેની પ્રતિષ્ઠા કરી. સિદ્ધરાજજયસિંહેને માતાજીએ દર્શન આપ્યા હોય તેઓ વડેચી તરીકે પણ ઓળખાયા. 


પલ્લીમાં ઘીની નદીઓ વહે છે, કપડાં પર નથી પડતો સહેજ પણ ડાઘઃ
અત્રે નોંધનીય છે કે, આ પલ્લીમાં હજારો કિલો ઘી માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ ઘી એટલા મોટા પ્રમાણમાં હોય છે કે, ગામમાં ઘીની નદીઓ વહેતી થાય છે. જો કે માતાજીને અર્પીત થયેલ ઘી રોડ પર વહેતું હોવા છતા તેમાં લોકો ચાલે છે પરંતુ આ ઘીનો ડાઘ કપડા પર પડતો નથી. સામાન્ય રીતે ઘીના ડાઘ કપડા પર પડી જાય છે. જો કે આ ઘીના ડાઘ ક્યારે પણ કપડા પર પડતા નથી. ઘણા લોકો કહે છે કે, આ માતાનો જ પ્રતાપ છે કે, આ ઘી તમારા કપડાને સ્પર્શતુ નથી એટલે કે કોઇ વ્યક્તિના કપડા પર પણ ઘી અડે અને તે ઘરે જાય તેવું નથી બનતું. આ ઘી પર માત્ર અને માત્ર સ્થાનિક લોકો અને કેટલાક ચોક્કસ સમાજનો જ અધિકાર હોય છે.