કહેવાય છે ને પરચાંને ક્યારેય પાંખો હોતી નથી. એ તો દેખાય છે અને માનનારા આજે પણ માને છે. તમે ક્યારેય ભારત પાકિસ્તાનની ગુજરાત બોર્ડરે ગયા છો. અમે કચ્છ સરહદની વાત કરી રહ્યાં નથી પણ બનાસકાંઠા જિલ્લામાં સરહદી સુઇગામથી 20 કિ.મી. દૂર ભારત-પાક. બોર્ડર નજીક આવેલા નડાબેટની અમે વાત કરી રહયાં છીએ. કહેવાય છે કે અહીં બિરાજમાન આસ્થાના કેન્દ્ર સમા શ્રી નડેશ્વરી માતાજીનો મહિમા જૂનાગઢના રા''નવઘણ સાથે જોડાયેલો છે. 1965 અને 1971 ના ભારત-પાક. યુદ્ધ સમયથી ભારતીય સૈન્યના જવાનો આ પર આંખો બંધ કરીને ભરોસો કરે છે. આજે પણ રણમાં ફરજ બજાવતા બી.એસ.એફ. જવાનોને મદદ મળી રહેતી હોવાની આસ્થા ધરાવે છે. આ મંદિરમાં પૂજારી પણ એક બી.એસ.એફ.નો જવાન છે. જેનો પગાર પણ ભારતીય સેનામાંથી થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના નડાબેટમાં આવેલું નડેશ્વરી માતાજીનું મંદિર આજે પણ ઐતિહાસિક પ્રાચીન ગણાય છે. આ મંદિરના દર્શનનો લ્હાવો એક અનેરો આનંદ અપાવે છે. તમે ઉત્તર ગુજરાતમાં ફરવા જતા હો કે અંબાજી, આબુ ગયા હો તો ઉત્તર ગુજરાતમાં આવેલા આ પ્રખ્યાત મંદિરની મુલાકાત લેવાનું ક્યારેય ના ભૂલતા. 
નડાબેટ માં આવવા માટે ગુજરાતના કોઈ પણ ભાગમાંથી બનાસકાંઠા જિલ્લાનું સુઈગામ જે તાલુકા મથક છે ત્યાંથી 20 કિમી દૂર સુઈગામ થઈને તમે પહોંચી શકો છે. નડાબેટ મંદિર નો વહીવટ શ્રી નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ નડાબેટ સુઈગામ કરે છે. 


નડેશ્વરી માતાજીના મંદિરની સંભાળ બીએસએફના જવાનો દ્વારા જ રાખવામાં આવે છે. જૂનું મંદિર ખંડેર થતાં ત્યાં નવું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. બીએસએફના જવાનોની આ મંદિર તરફ આગવી શ્રદ્ધા છે. બીએસએફમાં અધિકારીઓ ભલે બદલાતા રહે પણ મા પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય બદલાઈ નથી. આજે પણ આ મંદિરમાં તમને બીએસએફ જવાનોની ઉપસ્થિતિ દેખાતી રહે છે.  


નડાબેટના આવેલા નડેશ્વરી માતાના મંદિર માટે પણ પણ ઘણી લોકવાયકાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે જૂનાગઢના રાજા રા નવઘણને માએ પરચો આપ્યો હતો. રા નવઘણ પોતાની માનેલી બહેન જાહલને બચાવવા સિંધ જવા માંગતો હતો. એવી વાત છે કે બહેન જાહલ પોતાના પતિ સાથે પાકિસ્તાન ગઈ હતી અને ત્યાં સિંધનો રાજા હમીર મોહી ગયો હતો અને તેના પરિવારને કેદ કરી લીધો હતો.


જાહલે એક દૂત મારફતે પોતાના ભાઈને ચિઠ્ઠી લખી હતી અને બસ ચિઠ્ઠી વાંચી જૂનાગઢનો રાજા રા નવઘણ પોતાની બહેનને બચાવવા સેના તૈયાર કરી નીકળી પડ્યો હતો. રા નવઘણને સિંધ જવા વચ્ચે દરિયો નડતર રૂપ બનતો હતો, એ સમયે જ્યા નડાબેટનું રણ છે ત્યારે દરિયો હતો ,ત્યારે રા નવઘણે વરવડી માતાજીને પ્રાથના કરી કે હે મા આ દરિયામાં પણ રસ્તો કરી આપો,ત્યારે એ વરવડી માતા મદદ કરવા પહોંચ્યા હતા. જેઓએ રાજાની આખી પ્રજાને ભોજન કરાવ્યું અને કહ્યું કે તું દરિયા વચ્ચે જા, રસ્તો બની જશે અને એમજ માતાજીએ રસ્તો ચીંધ્યો હતો. દરિયા વચ્ચે રાજા અને એમની સેના માટે રસ્તો બની ગયો હતો. રાં નવઘણ પોતાની બહેનને સીંધી રાજાથી બચાવીને દેશ લઈ આવ્યો. જે જગ્યાએ સેનાને ભોજન કરાવ્યું હતું ત્યાં જ નડેશ્વરી માતાનું મંદિર બનાવવામાં આવ્યું. રા નવઘણે જ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરમાં આજે પણ મા નડેશ્વરી હાજરાહજૂર હોવાની માન્યતા છે અને બીએસએફ આ મા પ્રત્યે અનેરી શ્રદ્ધા ધરાવે છે.