ઝી બ્યૂરો, અમદાવાદઃ મનવાંછિત વર અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે. આ દિવસે સૌભાગ્વતી મહિલાઓ પતિના દુર્ધાયુ માટે તથા કુંવારિકાઓ મનગમતો વર મેળવવા માટે નિર્જલા વ્રત રાખે છે. આ દિવસે માતા પાર્વતી અને શિવજીની પૂજા કરવામાં આવે છે. કેવડા ત્રીજનું વ્રત ભાદરવા સુદ ત્રીજનાં દિવસે રાખવામાં આવે છે. આ વર્ષે કેવડા ત્રીજ 9 સપ્ટેમ્બરે, ગુરુવારના દિવસે છે. જ્યોતિષાચાર્યો અનુસાર આ વર્ષે કેવડા ત્રીજે એક અદ્ભૂત સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંયોગ 14 વર્ષ બાદ થયુ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવડા ત્રીજ પર અદ્ભૂત સંયોગ:
કેવડા ત્રીજની તિથિ 9 સપ્ટેમ્બરે રાતનાં 02:34 વાગ્યાથી શરૂ થશે, જે 10 સપ્ટેમ્બરે રાતનાં 12:18 વાગ્યા સુધી ચાલશે. આ સાથે જ આ દિવસે ચિત્રા નક્ષત્ર અને રવિયોગ બની રહ્યો છે. જે અત્યંત શુભ અને લાભદાયી છે. જ્યોતિષાચાર્યો અનુસાર આ સંયોગનું નિર્માણ કેવડા ત્રીજ પર 14 વર્ષ બાદ બની રહ્યું છે. ચિત્રા નક્ષત્રમાં રવિ યોગ વિશેષ લાભકારી સંયોગ છે.

રવિયોગમાં પૂજાનું છે ખાસ મહત્વ:
જ્યોતિશાસ્ત્રોમાં રવિ યોગનું વિશેષ સ્થાન છે. રવિયોગ પર સૂર્યનો પ્રભાવ થવાના કારણે તેને જ્યોતિષમાં ખૂબ જ પ્રભાવશાળી અને શુભ યોગ માનવામાં આવે છે. આ યોગમાં કરેલુ કોઈપણ કાર્ય અનિષ્ટ કે અશુભ ફળ નથી આપતુ. રવિયોગમાં કરેલા જપ, તપ અને પૂજન શુભકારી અને ફળદાયી હોય છે. કેવડા ત્રીજમાં શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે. હંમેશા ગળામાં સર્પ અને શરીર પર ભસ્મ લગાવી રાખતા મહાદેવજીને માત્ર આ જ દિવસે કેવડો અને કંકુ ચઢાવવામાં આવે છે. વ્રત રાખનાર સ્ત્રીઓ કેવડો સૂંઘીને ફળ કે દૂધની વસ્તુ ખાય છે. રાત્રે જાગરણ કરવામાં આવે છે. કહેવાય છે કે, શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાથી જેવી રીતે સતીને શિવ મળ્યા તેવી રીતે કુંવારી છોકરીઓને મનગમતો વર મળે છે.