તમે વડોદરામાં હોય તો કમુરતા નડે, પણ વલસાડવાળાને કમુરતા નથી લાગતા, એવું કેમ
Kamurta 2023 : કમુરતામાં કોઈ શુભ પ્રસંગો ન લેવાય તેવું કહેવાય છે... પરંતુ કમુરતાને સ્થળ સાથે મોટું કનેક્શન છે. ગુજરાતમાં વસતા અડધા લોકોને કમુરતા લાગતા જ નથી
Kamurta 2023 : હિન્દુ શાસ્ત્રોમાં કમુરતા એટલે એક મહિનો શુભ પ્રસંગો પર બ્રેક. કમુરતા એટલે કોઈ શુભ પ્રસંગો ન લેવાય તેવુ શાસ્ત્રોમાં લખાયેલું છે. પરંતુ વડોદરામાં હોય તો કમુરતા નડે, પણ વલસાડવાળાને કમુરતા નથી લાગતા, એવું કેમ ક્યારેય વિચાર્યું છે. આ વિશે એક ધાર્મિક કારણ છે. હકીકત તો એ છે કે, નક્શા મુજબ ગુજરાતની અડધી વસ્તીને કમુરતા લાગતા જ નથી. તેઓ બિન્દાસ્તપણે આ દિવસોમાં શુભ પ્રસંગો કરી શકે છે. ત્યારે ભાવનગરના જ્યોતિષ કિશન ગિરીશભાઈ શ્રીધર (પંચાગવાળા) આ વિશે માહિતી આપી.
તાપી નદીમાં રોકાયા હતા સૂર્ય ભગવાન
તાપી નદીમાં એવુ છે સૂર્ય ભગવાન રથ ચલાવીન આખા સંસારનું ભ્રમણ કરતા હોય છે. આ બે મહિનામાં સૂર્ય પોતાનું બળ ગુમાવે છે. શાસ્ત્રોમાં એવુ લખાયુ છે કે, તાપી નદીમાં ઘોડાને પાણી પીવડાવવા માટે પોતાનો રથ ઉભો રાખે છે. સૂર્ય સ્થિર થાય તો આખી દુનિયા સ્થિર થઈ જાય. તેથી તે સમયે સૂર્ય ભગવાને રથ ચલાવવા માટે ખર એટલે ગધેડાનો સહારો લીધો હતો. તેથી આ માસને ખરમાસ પણ કહેવાય છે. સૂર્ય ભગવાન ભારતની ઉત્તર દિશાથી આવતા હતા, વચ્ચે તાપી નદીમાં એક મહિનો ઘોડાને પાણી પીવડાવવા ઉભો રાખ્યો. તેથી તાપી નદીથી ઉપરના સ્થળોને કમુરતા લાગે છે. એટલે કે ઉત્તર ભારત, અમદાવાદ, ઉત્તર ગુજરાતને કમુરતા લાગે છે. પરંતુ તાપી નદીથી નીચેના સ્થળોને કમુરતા લાગતા નથી. એટલે કે વલસાડ, મુંબઈ, દક્ષિણ ભારતમાં કમુરતા લાગતા નથી. એક મહિનો સૂર્ય ભગવાન તાપીમાં રોકાયા હતા. તેથી તે સમયગાળામાં કમુરતા આવે છે. તેથી કહી શકાય કે તમે વડોદરામાં છો તો તમને કમુરતા લાગે છે, પરંતુ જો તમે વલસાડ કે ત્યાંથી નીચે રહો છો તો તમને કમુરતા નથી લાગતા. તાપી નદીના નીચેવાળા વિસ્તારના લોકો કમુરતામાં ચિંતા વગર પ્રસંગો કરી શકે છે.
ધનારકમાં ધાર્મિક કાર્યો કરવા
જ્યોતિષ કિશનભાઈ શ્રીધરે જણાવ્યું કે, આ સમયમાં સૂર્ય ભગવાન પોતાનું તેજ ગુમાવે છે. સૂર્ય અને ગુરુ સારી સ્થિતિમાં હોય તો લોકોનું અને સમાજનું હિત અને પ્રગતિ થાય છે. પરંતુ સૂર્ય નિસ્તેજ થાય છે તેથી તે સમયગાળમાં ધાર્મિક કાર્ય થાય તો સમાજનો વિકાસ થાય છે. તેથી ધનારક અને મીનારકમાં ધાર્મિક કાર્યો થાય તો માણસનું સ્વાસ્થય પણ જળવાઈ રહે છે. માનસિક શાંતિ માટે પણ સારું. ઘરમાં સત્યનારાયણની કથા, ભાગવત કથા, શિવજીની કથા, શિવલિંગ પર અભિષેક કરવા. પોતાના હિત માટે કરાયેલા કોઈ પણ ધાર્મિક કાર્યો આ દિવસોમાં સારુ ફળ આપે છે. સેલ્ફ મેડિટેશન પણ કરી શકાય છે. વ્યક્તિની નિષ્ઠા મુજબ તેનુ ફળ મળે છે. આખુ વર્ષ આ પૂજાનું ફળ મળે છે. તેનાથી માનસિક શાંતિ મળે છે. સમાજની તમારા પ્રત્યે જોવાની દ્રષ્ટિ પણ બદલાઈ જાય છે. આ એક મહિનામાં સૂર્ય નિસ્તેજ હોય છે, તેથી બને તેટલી સૂર્ય ભગવાનની પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે પણ કમુરતા હોય તો સૂર્યનો પ્રકાશ ધરતી પર ઓછો પડે છે. તેથી ખરમાસમા સૂર્ય નારાયણની પૂજા કરવી સારી ગણાય.
ક્યારથી લાગે છે કમુરતા
16 ડિસેમ્બરના રોજ સૂર્યદેવ સાંજે 3 વાગ્યાને 58 મિનિટ પર વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી ખરમાસ લાગી જશે. આ રાશિમાં સૂર્યદેવ 30 દિવસ સુધી રહેશે. ત્યાર બાદ સૂર્ય ધનમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી ફરી શુભ કાર્ય શરુ થઇ જશે.
કમુરતા એટલે શું
જ્યોતિષની માનીએ તો સૂર્યદેવ એક રાશિમાં 30 દિવસ સુધી રહે છે. ત્યાં જ જયારે ધન અને મીન રાશિમાં ગોચર કરે છે તો સૂર્યદેવના તેજ પ્રભાવથી ધન અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે. એને લઇ એક મહિના સુધી ખરમાસ લાગે છે, જેને કમુરતા પણ કહેવાય છે. આ દરમિયાન શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. સરળ શબ્દમાં કહીએ તો લગ્ન, વિદાઈ, ઉપનયન, મુંડન વગેરે જેવા શુભ કાર્ય આ દમયગાળા દરમિયાન નહિ કરી શકાય.
કમુરતામા કયા કાર્ય કરી શકાય
કમુરતામા પ્રેમ-વિવાહ કરવાના હોય તો તે નિશ્ચિત થઈને લગ્ન કરવા જોઈએ.જો તમારી કુંડળીમા ધનુ રાશિમા ગુરુ હોય તો તેવા જાતકોને આ સમય ગાળામા સારા કાર્યો કરી શકાય છે. કમુરતામા જાત કર્મ અને શ્રાદ્ધ જેવા કાર્ય કરવા જોઈએ.
કમુરતામાં કયા પ્રસંગો ન કરી શકાય
કમુરતામાં લગ્ન સિવાય બીજા કોઈ પ્રસંગ ન લઈ શકાય. માત્ર લગ્ન જ થઈ શકે છે. કમુરતાના દિવસોમાં ઘરનું વાસ્તુ અને જનોઈના પ્રસંગો પણ ન થઈ શકે. આ દિવસોમાં માત્ર સગાઈ અને લગ્ન જ થઈ શકે. કમુરતામાં નવા ઘરમાં કુંભ ન મૂકાય, કળશ પણ ન મૂકી શકાય. ન તો નવી ઓફિસનું ઓપનિંગ કરી શકાય. માત્ર સગાઈ અને લગ્ન કરી શકાય છે.