હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરતા પહેલા શુભ-અશુભ મુહૂર્ત જોવામાં આવે છે. જેનાથી આવનારા સમયમાં તે ચીજમાં અશુભ પરિણામ ન મળે. હિન્દુ કેલેન્ડર મુજબ દર મહિને પાંચ દિવસે એવું થાય છે કે શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. પણ શરત એ છે કે તે કયા દિવસથી શરૂ થાય છે. આ પાંચ દિવસને પંચક નામથી ઓળખવામાં આવે છે. જે સપ્તાહના વાર પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે કે આ દિવસોમાં માંગલિક કાર્યો થઈ શકે કે નહીં. પંચાંગ મુજબ ચંદ્રમા એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિથી ગોચર કરે છે. તે એક રાશિમાં અઢી દિવસ અને નક્ષત્રમાં એક દિવસ રહે છે. આવામાં જ્યારે ચંદ્રમા ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાંથી પસાર થાય તો તેને પૂરા કરવામાં 5 દિવસનો સમય લાગે છે. જેને પંચક કહેવાય છે. વર્ષના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરમાં પણ જલદી પંચકની શરૂઆત થવાની છે. દરેક પંચકનું આગવું મહત્વ હોય છે. ડિસેમ્બરમાં શરૂ થનારા પંચક વિશે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે શરૂ થશે પંચક
વૈદિક પંચાંગ મુજબ વર્ષના અંતિમ મહિનામાં પંચકની તિથિની વાત કરીએ તો તે 7 ડિસેમ્બર શનિવારે સવારે 5.07 વાગ્યાથી શરૂ થશે અને 11 ડિસેમ્બરના રોજ સવારે 11.48 વાગે સમાપ્ત થશે. 


કેમ કહેવાય છે મૃત્યુ પંચક
જ્યોતિષ શાસ્ત્ર મુજબ પંચકનું નામ નિર્ધારિત સપ્તાહના વાર પ્રમાણે કરાય છે. આથી શનિવારના દિવસે શરૂ થયેલા પંચકને મૃત્યુ પંચક કહે છે. જે સૌથી વધુ કષ્ટકારી ગણાય છે. આ પંચકમાં અન્ય પંચકોથી 5 ગણી અશુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે. 


મૃત્યુ પંચક દરમિયાન શું કરવું અને શું નહીં?


- પંચક દરમિયાન માંગલિક અને શુભ કામો કરવાની મનાઈ હોય છે. તેનાથી અશુભ ફળોની પ્રાપ્તિ થતી હોય છે. 


- મૃત્યુ પંચક દરમિયાન પરણેલી સ્ત્રીઓએ સાસરે કે પિયરે જ રહેવું જોઈએ. આ સમયગાળામાં બહાર નીકળવું અશુભ મનાય છે. 


- મૃત્યુ પંચક દરમિયાન ખાટલા, પલંગ, બેડ વગેરે બનાવવાની મનાઈ હોય છે કારણ કે તેનાથી અશુભ ફળ મળે છે. 


- શાસ્ત્રો મુજબ પંચક દરમિયાન છત તૈયાર કરવાની મનાઈ હોય છે. એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરના સભ્યો વચ્ચે સુખ શાંતિ રહેતી નથી અને કોઈને કોઈ સભ્યના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. 


- પંચક દરમિયાન દક્ષિણ દિશામાં મુસાફરી કરવાની મનાઈ હોય છે. એવી માન્યતા છે કે આ દિશા યમની દિશા છે. આ દિશામાં જવાથી દુર્ઘટના થવાની આશંકા વધુ રહે છે. જો તમારે કોઈ કારણસર જવું પડે તો હનુમાનજીની પૂજા કરવાની સાથે સાથે તેમને ફળનો ભોગ ધરાવો. 


- પંચક કાળમાં કોઈનું જો મૃત્યુ થાય તો પંચક દોષથી બચવા માટે મૃત્યુ સાથે 5 કુશ કે લોટના પૂતળા બનાવીને અર્થી પર રાખવામાં આવે છે. તેના પણ વિધિવત અંતિમ સંસ્કાર કરાય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)