Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ જણાવ્યો ગુરુમંત્ર, અપાર સફળતા માટે આ 4 વાત કોઈની પણ સાથે ન કરો શેર
વિરાટ કોહલીથી લઈને માર્ક ઝુકરબર્ગ, અભિનેત્રી જૂલિયા રોબર્ટ્સ, સ્ટીવ જોબ્સ જેવી હસ્તીઓ નીમ કરોલી બાબામાં શ્રદ્ધા ધરાવે છે. જાણો તેમનો સફળતા માટેનો ગુરુમંત્ર!
Neem Karoli Baba Life Lesson: નીમ કરોલી બાબાના દુનિયામાં લાખો ભક્તો છે. ભારત જ નહીં વિદેશમાં અનેક મોટી મોટી હસ્તીઓ તેમને માને છે અને તેમના દર્શન માટે ઉત્તરાખંડના કેંચી ધામ પહોંચે છે. બાબાએ પોપતાના જીવનમાં અનેક ચમત્કાર કર્યા જે આજે પણ એટલા જ પ્રખ્યાત છે. તેમની કૃપા જો કોઈ વ્યક્તિ પર થઈ જાય તો માંગ્યા વગર ઘણું બધુ મળી જાય છે. નીમ કરોલી બાબાએ ચમત્કાર ઉપરાંત માનવ જીવનને સફળ બનાવવા માટે અનેક ગુરુમંત્ર પણ આપ્યા છે. આ વાતો જો કોઈ વ્યક્તિ ગંભીરતાથી લે અને તેનું પાલન કરે તો તેને સફળ થતા કોઈ રોકી શકે નહીં. જાણો એવી કઈ કઈ વાતો છે જે કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં.
નબળાઈ અને તાકાત
તમારી નબળાઈ કે તાકાત અંગે બીજાને ખબર પડવી જોઈએ નહીં. જો તમારી નબળાઈ કોઈને ખબર પડી ગઈ તો તે તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. નબળાઈ જાણીને દુશ્મન પણ તમારા પર હાવિ થઈ શકે છે. આથી નબળાઈ વિશે કોઈને પણ જણાવવું જોઈએ નહીં. તમારી તાકાત વિશે પણ કોઈને જણાવવું જોઈએ નહીં. તાકાતના વારંવાર વખાણ કરવાથી તમારા દુશ્મન તમારા પર યોજના બનાવીને પ્રહાર કરી શકે છે. તે સમયે તમારે દુશ્મનને હરાવવામાં મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે.
ભૂતકાળ
બાબા નીમ કરોલીનું કહેવું છે કે માણસે પોતાનો ભૂતકાળ ભૂલી જવો જોઈએ. ભૂતકાળની ખરાબ વાતો કે પછી આદતો વિશે કોઈને પણ જણાવવું જોઈએ નહીં. ભૂતકાળ ઉખેડવાથી તમારા ખોદેલા ખાડામાં તમે પોતે જ પડો તેવી સ્થિતિ થઈ શકે છે. કારણ કે ખરાબ માનસિકતાવાળા લોકો ત મારા ભૂતકાળના ખરાબ કામોને જાણીને તમારો વર્તમાન બગાડી શકે છે. તમારા ખરાબ કામોનો ઉલ્લેખ કરીને લોકો તમને સમાજમાં શરમિંદા કરી શકે છે.
આવક
સૌથી મહત્વપૂર્ણ વાત છે કે તમારે તમારી આવકને લઈને ખુબ જ શાંત રહેવું જોઈએ. બાબા નીમ કરોલીનું કહેવું છે કે જો તમે કોઈને તમારો પગાર જણાવશો તો તે વ્યક્તિ તમારા સ્તરને આંકવા લાગે છે. એટલું જ નહીં લોભી લોકો તમારી આવક પર નજર રાખવા લાગે છે. આવું તમારા વેપાર કે નોકરી માટે ઘાતક સાબિત થઈ શકે છે. તમારી કમાણી પર ખરાબ નજર લાગી શકે છે. જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ આ આદત છોડી દેજો.
દાન પુણ્ય
આધ્યાત્મમાં વિશ્વાસ ધરાવતા લોકો દાન પુણ્ય હંમેશા કરતા રહે છે. પરંતુ એવા અનેક લોકો પણ જોવા મળશે જે પોતાના દાન વિશે બીજા સાથે વાત કરતા રહે છે. પરંતુ આમ કરવું જોઈએ નહીં. બાબા નીમ કરોલીના જણાવ્યાં મુજબ દાન પુણ્યના બીજા સામે વખાણ કરવાથી તમારે નુકસાન ઝેલવું પડી શકે છે. આધ્યાત્મિક ફળ મેળવવા માટે દાન પુણ્ય વિશે કોઈને જણાવવું જોઈએ નહીં. એટલું જ નહીં જો તમે તમારા દાનના વખાણ કરશો તો તેનો જીવનમાં ખોટો પ્રભાવ પડી શકે છે અને જીવનમાં નકારાત્મકતા આવી શકે છે. એટલે સુધી કે આમ કરતા લકો સમાજની નજરોમાં પણ ખટકી શકે છે.
અનેક હસ્તીઓ તેમની મુરીદ
બાબા નીમ કરોલીના ભક્તો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે થોડા સમય પહેલા વૃંદાવન ખાતેના નીમ કરોલી આશ્રમ પહોંચ્યા હતા. તેઓ બાબા નીમ કરોલીમાં શ્રદ્ધા ધરાવે છે. તેઓએ બાબાની સમાધિના દર્શન કર્યા હતા. નીમ કરોલી બાબાને તેમના ભક્તો હનુમાનજીનો અવતાર ગણાવે છે. તેમની ગણતરી 20મી સદીના મહાન સંતો અને દિવ્ય શક્તિઓવાળા સંતોમાં થાય છે. બાબાએ પોતાના જીવનમાં 108 હનુમાન મંદિર બનાવડાવ્યા. તેઓ હનુમાનજીના મોટા ભક્ત હતા. તેમના વિશે અનેક ચમત્કારિક કહાનીઓ પણ પ્રચલિત છે. તેમનો મુખ્ય આશ્રમ કેંચી ધામ ખાતે છે. વૃંદાવનમાં પણ આશ્રમ છે.
બાબા નીમ કરોલીના ભક્તોમાં અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ, સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ પણ સામેલ છે. આ બધા કૈંચી ધામ પહોંચીને બાબાની સમાધિના દર્શન કરી ચૂક્યા છે. એવું કહેવાય છે કે જ્યારે ઝુકરબર્ગ ફેસબુક વેચવા અંગે કન્ફ્યૂઝનમાં હતા ત્યારે સ્ટીવ જોબ્સે તેમને અહીં આવવાની સલાહ આપી હતી. એમ પણ કહેવાય છે કે સ્ટીવ જોબ્સને એપ્પલના લોગોનો આઈડિયા પણ અહીંથી આવ્યો હતો. બાબા નીમ કરોલીને સફરજન ખુબ પસંદ હતા. અહીં તેમને પોતાના લોગોનો આઈડિયા મળ્યો હતો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)