કુંભકર્ણનું નામ લેતા જ દિમાગમાં એક સતત ઊંઘનાર વ્યક્તિની છબી ઉપસી આવે છે. રામાયણ મુજબ કુંભકર્ણ રાવણનો નાનો ભાઈ અને વિભીષણ અને શુર્પણખાનો મોટો ભાઈ હતો. ઋષિ વિશ્રવા અને રાક્ષસી કૈકસીનો પુત્ર હતો. કુંભકર્ણના નામનો અર્થ વધુ સૂઈ જનાર બિલકુલ નથી અસલમાં તેનો અર્થ છે- કુંભ એટલે કે ઘડો અને કર્ણનો અર્થ છે કાન. બાળપણથી જ મોટા કાન હોવાના કારણે તેમનું નામ કુંભકર્ણ રાખવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૌરાણિક કથાઓ મુજબ કુંભકર્ણ બાળપણથી જ ખુબ બળવાન હતો અને તેના મોટા ભાઈની જેમ તપસ્વી પણ હતો. આ સાથે જ તે એટલું ભોજન કરતો હતો કે આખા નગરનું ભોજન પણ તેના માટે ઘટી જતું હતું. 


જીભ લપસી અને બદલાઈ ગયા શબ્દો
પૌરાણિક  કથા મુજબ કુંભકર્ણના પિતા ઋષિ વિશ્રવાએ પોતાના ત્રણેય પુત્રો રાવણ, કુંભકર્ણ અને વિભીષણને તપસ્યા કરવા માટે કહ્યું હતું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યા તો દેવતાઓએ માતા સરસ્વતીને પ્રાર્થના કરી કે જ્યારે કુંભકર્ણ બ્રહ્માજી પાસે વરદાન માંગે તો તમે તેમની જીહવા પર બિરાજમાન  થઈ જજો, માતા સરસ્વતીએ બધાની પ્રાર્થના સ્વીકારી લીધી અને કુંભકર્ણની જીભ પર બિરાજમાન થઈ ગયા. જેના કારણે કુંભકર્ણ જેવો વરદાન માંગવા ગયો તો તેના મુખમાંથી ઈન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન નીકળી ગયું અને બ્રહ્માજીએ તેની ઈચ્છા પૂરી કરી દીધી. 


કુંભકર્ણને થયો પશ્ચાતાપ
જ્યારે કુંભકર્ણને આ વાતનો પશ્ચાતાપ થયો તો તેમણે બ્રહ્માજી પાસે આજીજી કરી તો બ્રહ્માજીએ સમયગાળો ઘટાડીને છ મહિના સુધી કરી નાખ્યો. ત્યારબાદ કુંભકર્ણ છ મહિના માટે સૂઈ જતો અને ફક્ત એક દિવસ જાગતો અને પછી પાછો સૂઈ જતો. કુંભકર્ણને આ વરદાન આપતા બ્રહ્માજીએ એવું પણ કહ્યું કે જો કોઈ પણ તેને બળપૂર્વક જગાડવાનો પ્રયત્ન કરશે તો તે કુંભકર્ણના જીવનનો અંતિમ દિવસ બનશે. બ્રહ્માજીના આ વચન સત્ય ત્યારે થયા જ્યારે રાવણ યુદ્ધમાં પ્રભુ શ્રીરામથી હારવા લાગ્યો ત્યારે રાવણે કુંભકર્ણને બળપૂર્વક જગાડ્યો અને મદદ માંગી ત્યારબાદ તે દિવસે યુદ્ધમાં કુંભકર્ણનું મોત થઈ ગયું. 


આ કથા પણ છે પ્રચલિત
પૌરાણિક કથા મુજબ કુંભકર્ણએ તેના ભાઈઓ સાથે કઠોર તપ કર્યું જેનાથી બ્રહ્માજીએ પ્રસન્ન થઈને તેમની પાસે પહોંચીને વરદાન માંગવાનું કહ્યું. રાવણ અને વિભીષણે વરદાન માંગ્યું અને બ્રહ્મદેવે તેમને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ જ્યારે તેઓ કુંભકર્ણ પાસે ગયા અને તેને ભોજન કરતા જોઈને ચિંતામાં પડી ગયા ત્યારે બ્રહ્મદેવે  કુંભકર્ણની મતિ હરી લીધી જેના કારણે કુંભકર્ણએ છ મહિના નિંદ્રામાં રહેવાનું વરદાન માંગ્યું અને બ્રહ્મદેવે ત્યારે પ્રસન્ન થઈને આપી પણ દીધુ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube