પરસ્પર પ્રીતિ અને વિચારોનો સેતુ જ રામનું કામ છેઃ મોરારી બાપુ
મોરારી બાપુને પ્રશ્ન કરાયો કે શું અહીં રામ મંદિર બનશે. તેનો જવાબ આપતાં બાપુએ કહ્યું કે રામ મંદિર બને તો સ્વાગત છે, પરંતુ અહીં રામેશ્વર ભગવાન પર્યાપ્ત છે.
ઝી બ્યૂરો, અમદાવાદ: તીર્થસ્થળ સેતુબંધ, ધનુષકોડી – રામેશ્વરમમાં છેલ્લાં સાત દિવસથી પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. સંધ્યાની સહજ સભામાં બાપુએ સ્થાનિક લોકોના ખબર અંતર પૂછ્યાં હતાં. અહીંના મોટાભાગના લોકો સ્થાનિક ભાષા સિવાય બીજી કોઇ ભાષા જાણતા નથી, તેથી એક દુભાષિયાની મદદથી બાપુએ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી. પૂજ્ય બાપુએ મીડિયાને સમાજ અને વહીવટીતંત્ર વચ્ચેના સેતુ ગણાવ્યાં હતાં.
દેશ અને દુનિયામાં નિરંતર ચાલતી રામકથાને બાપુએ સત્ય, પ્રેમ અને કરૂણાની કથા ગણાવી હતી અને કહ્યું હતું કે રામ નામની સાથે રામનું કામ પણ વ્યાસપીઠ કરતી આવી છે. રામની વનયાત્રાના સંદર્ભમાં બાપુએ કહ્યું કે અયોધ્યાથી લઇને રામેશ્વરમ સુધીની યાત્રાનો રામનો હેતુ પ્રાંત-પ્રાંત, ભાષા-ભાષા, વર્ણ-વર્ણ, જાતિ-જાતિ અને રાષ્ટ્ર-રાષ્ટ્ર એમ તમામ વચ્ચે સેતુનું નિર્માણ થાય અને તમામ સદભાવના સાથે જોડાઇ જાય. આથી મીડિયાના પ્રતિનિધિઓનું કામ પણ દરેકને જોડવાનું છે. સેતુબંધનું આ કામ રામનું જ કામ છે.
મોરારી બાપુએ ઉમેર્યું હતું કે, કોઇપણ સત્કાર્ય, માનસી, વિત્તજા અને તનુજા સેવા વિના સંભવ નથી. કથાના નિમિત્ત માત્ર યજમાન મદનભૈયાની સદભાવના અંગે પ્રસન્નતા વ્યક્ત કરતાં બાપુએ ઉમેર્યું કે સામાન્ય રીતે જ્યાં કથા થાય ત્યાં ભોજન-પ્રસાદની વ્યવસ્થા અનિવાર્યરૂપે થતી હોય છે, પરંતુ કોવિડ-19ની સ્થિતિમાં યજમાનો મનોરથ છે કે પ્રત્યેક ઘરમાં અન્નના સ્વરૂપે બ્રહ્મને સંપૂર્ણ સન્માન સાથે પહોંચાડવામાં આવે.
ઉપનિષયમાં કહ્યું છે કે અન્ન જ બ્રહ્મ છે. આ શિવ સંકલ્પના પરિણામ સ્વરૂપે 15000 ઘરોમાં ખાદ્યાન્ન સામગ્રી પ્રસાદરૂપે વિનમ્રતા અને આદરની સાથે કથાના સમાપન પહેલાં પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત પોંગલના પવિત્ર તહેવારના ઉપલક્ષ્યમાં 1008 પોંગલ સેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જરૂરિયાતમંદો માટે 108 સિલાઇ મશીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મોરારી બાપુને પ્રશ્ન કરાયો કે શું અહીં રામ મંદિર બનશે. તેનો જવાબ આપતાં બાપુએ કહ્યું કે રામ મંદિર બને તો સ્વાગત છે, પરંતુ અહીં રામેશ્વર ભગવાન પર્યાપ્ત છે. બાપુએ વધુમાં જણાવ્યું કે મારી દ્રષ્ટિમાં અહીં રામ મંદિરની જગ્યાએ રામ સેતુ બની જાય તો તેને જ રામમંદિર માનવામાં આવશે. જો રામ સેતુ બની જાય તો મારી ઇચ્છા છે કે આ પવિત્ર જગ્યા ઉપર આવીને રામકથા કરીશું તેમજ પરસ્પર પ્રેમ અને વિચારોનો સેતુ બનાવીશું. આખરે બાપુએ કથાના આયોજનમાં સહયોગ અને સ્વાગત માટે સ્થાનિક લોકો અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતાં તમામને પોંગલની શુભકામના પાઠવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube