શેનાથી કરવો જોઈએ શિવનો રુદ્રાભિષેક? જાણો કયા દ્રવ્યોથી અભિષેક કરવાથી શું ફળ મળે
ભગવાન શંકર-શિવલિંગને શુદ્ધ પાણી, દૂધ, મધ, દહીં, પંચામૃત, શેરડીનો રસ, નાળિયેર પાણી, ઘી અને ગંગાજળ સહિત વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે, પરંતુ આ દ્રવ્યોના અભિષેક સાથે પઠન કરવામાં આવતાં સ્તોત્ર પાઠનો વિશેષ મહિમા છે.
નવી દિલ્લીઃ ભગવાન ભોળાનાથનો ભકિતપર્વ હવે નજીક આવી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસ હવે નજીક આવી રહ્યો છે. ત્યારે ભોળાનાથના ભક્તો ભગવાનને રિઝવવા માટે ખાસ પ્રકારનું અનુષ્ઠાન કરતા હોય છે. જે પૈકી શ્રાવણ માસમાં શિવજીને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાનું વિશેષ માહાત્મ્ય છે. જોકે, શિવજીને તો જલાભિષેક સૌથી પ્રિય છે. રૂદ્રાભિષેકનો અર્થ હોય છે રૂદ્ર અર્થાત ભગવાન શિવનો અભિષેક. આ અભિષેક વિભિન્ન દ્રવ્યોથી કરવામાં આવે છે. વિભિન્ન કામનાપૂર્તિ માટે અલગ-અલગ દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.
ભગવાન શંકર-શિવલિંગને શુદ્ધ પાણી, દૂધ, મધ, દહીં, પંચામૃત, શેરડીનો રસ, નાળિયેર પાણી, ઘી અને ગંગાજળ સહિત વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે, પરંતુ આ દ્રવ્યોના અભિષેક સાથે પઠન કરવામાં આવતાં સ્તોત્ર પાઠનો વિશેષ મહિમા છે. શિવજીને જળાભિષેક કરતાં કરતાં કંઇ ન આવડે અને માત્ર ઓમ નમ: શિવાયના પંચાક્ષર મંત્રથી પણ અભિષેક કરવામાં આવે તો શિવજી પ્રસન્ન થાય છે.
પરંતુ વેદ-શાસ્ત્રોમાં ભગવાન શિવજીને અભિષેક કરવા માટેના વિવિધ સ્તોત્ર પાઠનો મહિમા ગવાયો છે. શ્રાવણ માસમાં વિવિધ કામનાઓની પૂર્તિ માટે રૂદ્રાભિષેકમાં અન્ય દ્રવ્યોથી કરવાનો નિર્દેશ કરવામાં આવે છે. શિવભક્તો બિલ્વપત્ર ચઢાવવાનું અનુષ્ઠાન કરે છે, તો કેટલાક ભક્તો વિવિધ ધાન્યથી શિવજીનું પૂજન-અભિષેક કરે છે.
આટલા દ્રવ્યોથી રૂદ્રાભિષેક કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે
- પંચામૃત: દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ
- ગાયનું દૂધ: યશ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે
- સાકરમિશ્રિત દૂધ: બુદ્ધિની જડતાનો નાશ
- દુર્વામિશ્રિત ગાયનું દૂધ: આરોગ્ય પ્રાપ્તિ, રાહુ દોષ નિવારણ
- ગાયનું ઘી: દીર્ઘાયુ અને વંશ વૃદ્ધિ
- ગંગાજળ: મોક્ષ પ્રાપ્તિ માટે
- શેરડીનો રસ: લક્ષ્મી પ્રાપ્તિ માટે
- સરસવનું તેલ: શત્રુનાશ કરવા માટે
- મધ: દરેક પ્રકારના રોગોનું નિવારણ
- માખણ: સંતાન પ્રાપ્તિ માટે
રૂદ્રાભિષેક શિવભક્તોનું કલ્યાણ કરે છે-
શ્રાવણ માસમાં શિવભક્તો એક યા બીજા પ્રકારે શિવની ભક્તિ કરીને શિવજીને પ્રસન્ન કરવાનું અનુષ્ઠાન કરે છે. જે પૈકી શ્રાવણ માસમાં શિવજીને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવાનું વિશેષ મહાત્મ્ય છે. જો કે, શિવજીને તો જળાભિષેક સૌથી પ્રિય છે. આ સંજોગોમાં શિવજીને વિવિધ દ્રવ્યોથી મંત્રોચ્ચાર સાથે કરાતો અભિષેક કે રૂદ્રાભિષેક શિવભક્તોનું કલ્યાણ કરે છે.
11 વખત રૂદ્રાભિષેક કરવાથી 1 રૂદ્રી કર્યાનું ફળ મળે છે-
ભોળાનાથની વેદોક્ત અને પુરાણોક્ત બંને રીતે અભિષેક-પૂજા કરી શકાય છે. પુરાણોક્ત રૂદ્રાભિષેક જો કોઇ ભક્ત 11 વખત કરે તો તેને 1 રૂદ્રી કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને 121 વખત કરે તો લઘુરુદ્ર કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.