શ્રાવણ માસ દરમિયાન શિવજીની સાથે દેવીની સાધના કરવાથી થાય છે વિશેષ લાભ, આ રીતે કરો પૂજા-અર્ચના
આખા શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની ભીડ લાગેલી રહે છે. શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા અર્ચના કરે છે. પરંતુ હાલ કોરોના ની મહામારી ના કારણે લગભગ દરેક શિવ મંદિરોમાં ભક્તોને ભેગા થવાની મનાઈ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવની આરાધના સાથે સાથે દેવી સતી ની આરાધના કરવાથી પણ ખુબજ લાભ પ્રાપ્ત થાય છે.
ખ્યાતિ ઠક્કર, અમદાવાદઃ આખા શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની ભીડ લાગેલી રહે છે. શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા અર્ચના કરે છે. પરંતુ હાલ કોરોના ની મહામારી ના કારણે લગભગ દરેક શિવ મંદિરોમાં ભક્તોને ભેગા થવાની મનાઈ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવની આરાધના સાથે સાથે દેવી સતી ની આરાધના કરવાથી પણ ખુબજ લાભ પ્રાપ્ત થાય છે.
દેવી સતીની આરાધના:
દેવીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ દરમિયાન તેમની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા અર્ચના થાય છે. તો દરેક મંગળવારે દેવી માંને પ્રસન્ન કરવા મંગળાગૌરીનું વ્રત કરવામાં આવે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ દેવીમાંની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. મંગળવાર, શુક્રવાર અને શનિવારે માતાજીની ઉપાસના કરવામાં આવે છે.
દુર્ગા સપ્તશતીનો પાઠ:
તંત્ર શાસ્ત્ર અનુસાર શ્રાવણમાસમાં જો કોઇ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે તો તેની દરેક મનોકામાન પૂર્ણ થાય છે. શિવજીની સાથે દેવીની સાધના કરવાથી વિશેષ લાભ થાય છે. સપ્તશતીનો પાઠ ભક્તોને ખુબ સારૂ ફળ આપે છે. વેદની જેમ સપ્તશતી પણ અનાદિ ગ્રંથ છે. શ્રીવેદ વ્યાસના માર્કણ્ડેય પુરાણમાં દુર્ગા સપ્તશતીનો અધ્યાય છે. સાતસૌ શ્લોક વાળી દુર્ગા સપ્તશતીના ત્રણ ભાગમાં મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણ ચરિત્ર છે. પ્રથમ ચરિત્રમાં ફક્ત પ્રથમ અધ્યાય, મધ્યમ ચરિત્રમાં બીજો, ત્રીજા અને ચોથા અધ્યાય અને બાકી બધા અધ્યાય ઉત્તમ ચરિત્રમાં મુકવામાં આવ્યા છે.
પારાયણથી ઈચ્છિત મનોકામના પૂર્તિ:
શ્રી દુર્ગા સપ્તશતીના પાઠ મનોરથ સિદ્ધિ માટે કરવામાં આવે છે, કારણ કે દુર્ગા સપ્તશતી દૈત્યોના સંહારની શોર્ય ગાથાથી વધુ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવેણી છે. આ શ્રી માર્કણ્ડેય પુરાણનો અંશ છે. આ દેવી મહાત્મય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરૂષાર્થોને પ્રદાન કરવામાં સક્ષમ છે. સપ્તશતીમાં કેટલાક એવા પણ સ્ત્રોત અને મંત્ર છે, જેની વિધિવત પારાયણથી ઈચ્છિત મનોકામનાની પૂર્તિ થાય છે. આમ જો શ્રાવણ માસ દરમિયાન દેવી દુર્ગા સપ્ત સતીનો નિયમિત પાઠ કરવામાં આવે તો ભગવાન શિવની સાથે સાથે દેવીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે..