અમદાવાદઃ. સ્વામીજીએ તેમના પ્રવચનમાં આત્મા અંગે જણાવતા કહ્યું, આત્મા ક્રિકેટમાં અમ્પાયર જેવો છે, જેમ ક્રિકેટમાં અમ્પાયર ક્યારેય આઉટ નથી થતો એમ આત્મા કયારેય નાશ પામતો નથી. આત્મા અવિનાશી છે અને સર્વ ઘટનાઓનું સાક્ષી છે. જીવ-જગત અને ઈશ્વર ત્રણ જ વસ્તુ છે. જ્ઞાન થતાની સાથે સંસાર રહેતો નથી. આત્મા અવિકારી અને અપરિવર્તનશીલ છે. આત્માને જગતનું કારણ માનવામાં આવે તો જગત વિકારી થઈ જાય. જગતનો અનુભવ અજ્ઞાનકાળે જ થાય. આત્માને બંધન ન હોય, મુક્તિ અને મોક્ષ તો મન કહે છે, મનની ભ્રાંતિ જ બંધન પેદા કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આત્માનું અજ્ઞાન હશે ત્યાં સુધી જગત જણાશે. તેમણે આ સંદર્ભે દ્રષ્ટાંત ટાંકતા સવાલ કર્યો કે ગગગોગાયનો અર્થ શો થાય? આનો જવાબ કોઈની પાસે નહતો. અંતે તેમણે ફોડ પાડ્યો કે હિમાલયમાં પંદર હજાર ફૂટ ઊંચે થતા એક ફૂલને ગગગોગાય કહેવાય છે. આ પરથી તેમણે સમજાવ્યું કે અજ્ઞાનની શરૂઆત ન હોય પણ અંત જરૂર હોય છે.

સ્વામી તદ્રૂપાનંદજીએ આપ્યો બુધ્ધિને ધારદાર બનાવવાનો મંત્ર


ક્રિકેટમાં અમ્પાયર હંમેશા નોટઆઉટ હોય છે એમ આત્મા પણ નોટઆઉટ રહે છે અને તે સારા-નરસાનું માત્ર સાક્ષી હોય છે, એમ પૂ. સ્વામીશ્રી તદ્રૂપાનંદજીએ આજે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કેડીલા ફાર્માસ્યુટીકલ્સ દ્વારા શ્રી ઈન્દ્રવદન મોદી તથા શ્રીમતી શીલાબેન મોદીની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા અષ્ટાવક્ર ગીતા ચિંતન સત્રના પાંચમા દિવસે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું


બંધન અને મોક્ષ મનની ભ્રાંતિ છે. જ્ઞાન અને અજ્ઞાન એકબાજાની અવેજીમાં દેખાતા હોય છે જે બાબત સમજાવતા તેમણે એક માણસનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું એક માણસને તે ચોખાનો દાણો હોય એવો ભ્રમ થઈ ગયો. તેને સાયકટ્રિસ્ટ પાસે લઈ ગયા. તે બજારમાં નીકળે અને પંખી દેખાતા દોડતો થઈ જાય. સાયકટ્રિસ્ટે અનેક બેઠક બાદ તેને આ ભ્રમ હોવાનું સમજાવ્યું અને તે સમજી પણ ગયો. એક સમયે ઝૂમાં ગયો અને મરઘી બોલતાં તે ફરી દોડવા લાગ્યો. તેને પૂછ્યું તો તેણે કહ્યું મને ખબર છે કે હું ચોખાનો દાણો નથી પણ મરઘીને થોડી ખબર છે? ભ્રાંતિ એવી વસ્તુ છે કે જે બંધનમાં બાંધે છે. અજ્ઞાન જ્ઞાન હોય ત્યાં હોય અને જ્ઞાન આવતાં અજ્ઞાન ચાલ્યું જાય, એમ સ્વામીજીએ સમજાવ્યું હતું. આ પ્રવચન સત્ર 31 માર્ચ સુધી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં રોજ સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન યોજાશે.