અમદાવાદના નાથને આજે આંખે પાટા બાંધવામાં આવશે, જાણો શું છે રથયાત્રા પહેલાની નેત્રોત્સવ વિધિ
Rathyatra 2023 : આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ... વિધિ બાદ નીજ મંદિરે કરાશે ધ્વજારોહણ... 20 જૂને ભગવાન નીકળશે નગરચર્યાએ....
Lord Jagannath Rathyatra : ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોઈને બેસ્યા હતા, તે ઘડી હવે આવી ચૂકી છે. સોમવારે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનું પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવે છે. સવારથી નેત્રોત્સવની વિધિ શરૂ કરવામાં આવે છે. એવી લોકવાયકા છે કે નગરના નાથ મામાના ઘર સરસપુરથી પરત જમાલપુર મંદિર આવે છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે. એટલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે.
શું છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને ત્યારબાદ ત્યાંથી પરત નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ભાણેજોની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.
અષાઢી બીજના દિવસે પાટા ખોલાશે
હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. નેત્રોત્સવ વિધિ કેમ કરાય છે, તેની વાત કરીએ તો જળયાત્રા બાદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા મામાના ઘરે ગયા હતા. ત્યારબાદ 15 દિવસ તેઓ મોસાળમાં મામાના ઘરે રોકાયા. જ્યાં તેમની આગતા- સ્વાગતા કરવામાં આવી હતી. 15 દિવસ મામાના ઘરે ભાવતા તમામ ભોજન આરોગ્યા બાદ ભગવાનને આંખો આવી જાય છે. ખાસ કરીને જાંબુ ખાધા બાદ તેમને આંખો આવે છે તેવુ માનવામાં આવે છે. પછી જ્યારે પ્રભુ મંદિરમાં આવે છે ત્યારે તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. જેથી મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. જેમાં ભગવાન ઝડપથી સાજા થઇ જાય તે માટે મંત્રો સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે અને અષાઢી બીજે આંખો પરથી પાટા ખોલવામાં આવે છે.
આજ રોજ સવારે 8 વાગે ભગવાનની નેત્રોત્સવ વિધી યોજાશે. 9.30 વાગે ધ્વજારોહણમાં મુખ્ય અતિથિ સી.આર.પાટીલ હાજર રહેશે. તો 11 વાગે સંતોનું સન્માન યોજાશે જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે. સાધુ-સંતો માટે ભંડારો અને વસ્ત્રદાન કરાશે.
ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ પોલીસે ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દીધું છે. આજે શહેર પોલીસ મોટી સંખ્યામાં વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી. રથયાત્રા રૂટ પર પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત, SRP, CAPFની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરવાનો એક્શન પ્લાન બનાવ્યો છે.