Gujarat Tourism : દક્ષિણ ગુજરાત સહિત દેશભરમાં ગરમ પાણીના કુંડથી જાણીતા અને આ ગરમ પાણીથી નાહીને પોતાના ચર્મ રોગમાંથી મુક્તિ મેળવનારા માઈ ભક્તોના આસ્થાના ધામ ઉનાઈ માતાજીના મંદિરમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વાંસદા પ્રાંત અધિકારી ડી. આઈ. પટેલના માર્ગદર્શનમાં આયોજત ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે વલસાડ લોકસભાના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે તેમના પરિવાર સાથે ઉનાઈ માતાજીના શ્રદ્ધા ભાવથી દર્શન કરી, માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી. સાંસદ ધવલ પટેલે વાંસદા સહિત વલસાડ લોકસભા વિસ્તારના લોકોના સ્વસ્થ જીવન અને સુખાકારી માટે માં ઉષ્ણ અંબાને પ્રાર્થના પણ કરી હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાઈની કહાની 
ઉનાઈમાં ઉષ્ણ અંબાજીના પ્રાગટ્યની કહાની રામાયણ કાળ સાથે જોડાયેલી છે. ભગવાન પોતાના ભક્તોના કષ્ટોને દૂર કરવા અનેક લીલાઓ કરતા હોય છે. ત્યારે ત્રેતા યુગમાં વનવાસ દરમિયાન પ્રભુ શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી દંડકારણ્યમાં શરભંગ ઋષિના આશ્રમે પધાર્યા હતા. આજના વાંસદાના ચર્વી ગામ નજીક આશ્રમમાં સાક્ષાત ભગવાન આવ્યા હોવાનુ જાણતા કુષ્ઠ રોગથી પીડાતા ઋષિ શરભંગે પોતાના તપો બળથી કુષ્ઠ રોગથી ગંધાતું શરીર છોડી, સ્વસ્થ શરીર લઈ, શ્રી રામનું સ્વાગત કર્યુ અને યજ્ઞ પણ કર્યો હતો.



જ્યારે પ્રભુ આશ્રમ છોડી રહ્યા હતા ત્યારે તેમણે માતા સીતા થકી લીલા કરી, માં સીતાએ ગરમ પાણીથી નાહવાની જીદ કરી, જેથી પ્રભુ શ્રી રામે ધરતીમાં બાણ મારી પેટાળમાંથી ઔષધીયુક્ત ગરમ પાણી બહાર કાઢ્યુ, જે ગરમ ઝરામાં માતા સીતાજી નાહ્યા હતા. બાદમાં પ્રભુએ ઋષિ શરભંગને પણ આ ગરમ પાણીથી નાહવા કહ્યુ અને ગરમ પાણીથી નાહતા જ ઋષિનો કુષ્ઠ રોગ દૂર થયો હતો. ઋષિનો રોગ દૂર થતા તેમણે માતાજીને અહીં જ વાસ કરવા પ્રાર્થના કરી અને માં આદ્યશક્તિ અહીં ઉષ્ણ અંબા તરીકે બિરાજમાન થયા. 



હું નાઈનું અપભ્રંશ થયું
મંદિરના મહારાજ રાકેશ દૂબેએ જણાવ્યું કે, માં સીતાજીએ નાહ્યા બાદ પ્રભુને કહ્યું, " હું નાઈ " જેથી માં ઉષ્ણ અંબા હું નાઈ આજે અપભ્રંશ થઈ ઉનાઈ માતાજી તરીકે પ્રસિદ્ધ થયા. ગામનું નામ ચર્વી હતુ, જે પણ માતાજીના નામ ઉનાઈથી જાણીતુ થયુ. આજે પણ ઉનાઈના ગરમ કુંડમાં નાહીને લોકો પોતાના વર્ષો જૂના ચર્મ રોગો દૂર કરે છે અને માં ઉષ્ણ અંબા લોકોની પીડા હરીને તેમને નવજીવન બક્ષે છે.



ગરબા મહોત્સવમાં ઉનાઈ તેમજ આસપાસના ગામો તથા માં ઉષ્ણ અંબાના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ મન મૂકીને ગરબે ઘૂમી માંની આરાધનામાં મગન થયા હતા. આસોના નવરાત્રમાં ભક્તો માં અંબાની શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના કરી ગરબે ઘૂમવાની મજા જ કંઈ અલગ હોય છે. ત્યારે માં ઉષ્ણ અંબાના દર્શન સાથે માતાજીના સાનિધ્યમાં ગરબે ઘૂમી માંની ભક્તિમાં લીન થવા માઈ ભક્તોને આવકારી રહ્યું છે.