નવી દિલ્હીઃ પંજાબના 102 વર્ષના મન કૌરે વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશિપની 200મી દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે સ્પેનમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથલીટ ચેમ્પિયનશિપમાં આ સિદ્ધિ મેળવી છે. આટલી ઉંમરે પણ ગોલ્ડ મેડલ જીતવાના કારણે તેઓ શુક્રવારે ટ્વીટર પર છવાઈ ગયાં છે અને લોકો ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા બાદ વડીલો મોટાભાગે નજીકના પાર્કમાં કે સડક પર ચાલતા જોવા મળતા હોય છે, ત્યારે પંજાબનાં 102 વર્ષના મન કૌર આ ઉંમરે પણ થાકતા નથી અને દોડની સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે. મન કોરે આ સ્પર્ધા 3 મિનિટ અને 14 સેકન્ડમાં પુરી કરી હતી. મોડલ, અભિનેતા અને એથલીટ મિલિંદ સોમણે પણ તેમની આ સફળતા પર વિશેષ ટ્વીટ કરી હતી. 



શુક્રવારે સોશિયલ મીડિયા દાદી મન કૌર પર ઓળઘોળ વારી ગયું છે. 



વર્લ્ડ માસ્ટર્સ ગેમમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું 
ગયા વર્ષે ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ગેમ દરમિયાન પણ તેઓ 100 મીટરની દોડમાં ટોચનાં સ્થાને રહ્યાં હતાં. તેમનો ગોલ્ડ જીતવાનો સિલસિલો હજુ અટક્યો નથી. 



93 વર્ષની વયે કરી શરૂઆત
પંજાબનાં પટિયાલામાં રહેતાં મન કૌરે એથલીટ સ્પર્ધાઓમાં ભાગ લેવાની શરૂઆત 93 વર્ષની વયે કરી હતી, જે ઉંમરે મોટાભાગની મહિલાઓ ખાટલામાં બેસીને છોકરાઓને રમાડતી હોય છે. કૌર પોતાના દિવસની શરૂઆત સવારે 4 વાગ્યાથી કરે છે. જેમાં તેઓ સતત દોડવાનો અને પગે ચાલવાની પ્રેક્ટિસ કરે છે. આ ઉપરાંત તેઓ આજે પણ રોજના 20 કિમી દોડે છે. મન કૌરે આ વખતે 100થી 104 વર્ષના વયજૂથની સ્પર્ધામાં 200મીટર દોડમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધા વયોવૃદ્ધ લોકો માટે યોજાય છે. 



મન કૌરના 78 વર્ષના પુત્ર ગુરૂ દેવ પણ તેમની માતાને સતત પ્રોત્સાહન આપતા રહે છે. ગુરૂ દેવ પોતે પણ સીનિયર સિટીઝન માટે આયોજિત થતી વિવિધ વર્લ્ડ માસ્ટર્સ ગેમમાં ભાગ લેતા રહે છે.