નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની 17 વર્ષીય મહિલા ક્રિકેટર એમેલિયા કેર (અણનમ 232 રન)એ આયર્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારતા ઈતિહાસ રચી દીધો છે. તે વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની ક્રિકેટર (પુરૂષ કે મહિલા) છે. બેવડી સદી ફટકારનાર બેલિંડા ક્લાર્ક બાદ બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન બેલિંડા ક્લાર્કનો 21 વર્ષ પહેલા બનાવેલો અણનમ 229 રનનો વર્લ્ડ રેકોર્ડ (મહિલા ક્રિકેટ)ને પણ તોડી દીધો છે. 16 ડિસેમ્બર, 1997ના ક્લાર્ડે ડેનમાર્ક વિરુદ્ધ 155 બોલમાં અણનમ 229 રન ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

145 બોલમાં ફટકાર્યા 232 રન
ઓપનર એમેલિયાએ આયર્લેન્ડ વિરુદ્ધ તોફાની બેટિંગ કરતા માત્ર 145 બોલમાં અણનમ 232 રન ફટકાર્યા. આ દરમિયાન તેણે 31 ફોર અને 2 સિક્સ ફટકારી. તેની સ્ટ્રાઇક રેટ 160ની રહી હતી. તેની સાથે કાસ્પરેક (113)ની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડ વિરુદ્ધ નિર્ધારિત 50 ઓવરમાં માત્ર 3 વિકેટે 440 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ટીમે સતત ત્રણ મેચમાં 400થી વધુ રન ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ બંન્ને સિવાય કીવી ટીમની ઓપનર એમી સ્ટેર્થવેટે 45 બોલમાં 61 રન ફટકાર્યા હતા. 



આમ બનાવ્યા 200 રન
ડબલિનમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. કેરિયરનો માત્ર 20મો મેચ રમી રહેલી કેરના મેચની શરૂઆત ખૂબ ધીમે કરી. તેને અડધી સદી સુધી પહોંચવા માટે 45 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ તે વધુ આક્રમક બની અને આગામી 50 રન માત્ર 32 બોલમાં પુરા કર્યા. 77 બોલમાં તેણે સદી પુરી કરી તો 102 બોલમાં તેણે 150 રન ફટકારી દીધા. 134માં બોલ પર બાઉન્ટ્રી ફટકારીને 200નો આંકડો પાર કર્યો. આ દરમિયાન તેને બે જીવનદાન પણ મળ્યા. કેરના વનડે કેરિયરની આ પ્રથમ સદી છે. આ પહેલા તેનો બેસ્ટ સ્કોર 81 રન અણનમ હતો. 


કોના-કોના નામે બેવડી સદી
મહિલા ક્રિકેટમાં બેલિંડા ક્લાર્ક અને કેરે વનડેમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે, જ્યારે પુરૂષ ક્રિકેટની વાત કરીએ તો પાંચ બેટ્સમેનોએ બેવડી સદી ફટકારી છે. તેમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, માર્ટિન ગુપ્ટિલ અને ક્રિસ ગેલનું નામ સામેલ છે. રોહિત શર્માએ સૌથી વધુ ત્રણવાર બેવડી સદી ફટકારી છે. વનડેનો હાઇએસ્ટ સ્કોર 264 રોહિત શર્માના નામે છે, જે તેણે 13 નવેમ્બર 2014ના રોજ કોલકત્તામાં શ્રીલંકા વિરુદ્ધ બનાવ્યો હતો.