દુબઈઃ આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતમાં આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2023 ની યજમાની કરવી છે. તે માટે બીસીસીઆઈ તૈયારી કરી રહ્યું છે, પરંતુ આ ટૂર્નામેન્ટની યજમાની પર એક મોટુ સંકટ છે. બીસીસીઆઈ અને ટૂર્નામેન્ટની આયોજક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી વચ્ચે ટેક્સને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જો આ મામલોનો ઉકેલ નહીં આવે તો વનડે વિશ્વકપની યજમાની છીનવાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્સ વિવાદને લઈને આઈસીસી અને બીસીસીઆઈ આમને-સામને છે. આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને મીડિયા રિપોર્ટ પ્રમાણે આઈસીસીએ હવે સ્પષ્ટ કરી દીધુ છે કે વનડે વિશ્વકપ 2023ની યજમાની ભારતને ત્યારે મળી શકે છે, જ્યારે તે બીસીસીઆઈ ભારત સરકાર પાસેથી ટેક્સમાં છૂટની વ્યવસ્થા કરે કે પછી તે ટેક્સ ખુદ વહન કરે. ભારત સરકાર તરફથી તેનો હલ કાઢવો મુશ્કેલ છે, કારણ કે કેન્દ્ર સરકાર આ પ્રકારની ઈવેન્ટ માટે ટેક્સમાં છૂટ આપતી નથી. 


નોંધનીય છે કે વર્ષ 2016માં ભારતમાં ટી20 વિશ્વકપનું આયોજન થયું હતું. બીસીસીઆઈ તે ટૂર્નામેન્ટની યજમાન હતી અને ત્યારે આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે ટેક્સ રિલેક્સેશનને લઈને વિવાદ થયો હતો, જે આશરે 200 કરોડ રૂપિયા આપી શાંત થયો હતો. તે સમયે પણ બીસીસીઆઈ આઈસીસીને ભારત સરકાર પાસે ટેક્સમાં છૂટ અપાવી શક્યું નહીં અને તેવામાં ભારતીય ક્રિકેટ બોર્ડે આઈસીસીને તેના ભાગના 190 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા. આવી સ્થિતિ ફરી જોવા મળી રહી છે. 


આ પણ વાંચોઃ રોહિત શર્માએ પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ, બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચ રમશે


આઈસીસીની પોલિસી અનુસાર, આઈસીસી ઈવેન્ટને હોસ્ટ કરનાર દેશે પોતાની સરકારની સાથે બેઠક કરી ટેક્સમાં છૂટની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ બીસીસીઆઈ આમ કરવામાં અસમર્થ છે, કારણ કે ભારત સરકારની નીતિમાં આવી કોઈ જોગવાઈ નથી, જેનાથી ટેસ્ટમાં છૂટ મળી શકે. જો બીસીસીઆઈ તેમ છતાં ટૂર્નામેન્ટનું આયોજન અહીં કરાવવા ઈચ્છે છે તો તેણે આઈસીસીને તેનો ભાગ આપવો પડશે, જે 900 કરોડ રૂપિયા હશે. 


રિપોર્ટમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે જો બીસીસીઆઈ ટેક્સમાં છૂટ અપાવવા કે પછી 900 કરોડ રૂપિયા વહન કરવા માટે રાજી નથી તો આઈસીસી ભારતીય ક્રિકેટ બોર્ડ પાસેથી વિશ્વકપની યજમાની છીનવી શકે છે. એટલું જ નહીં બીસીસીઆઈ આ મુદ્દાને લઈને આઈસીસી વિરુદ્ધ કોર્ટમાં પણ જઈ શકે છે. હવે તે જોવાનું રહેશે કે આ મામલામાં શું સમાધાન થાય છે. માનવામાં આવી રહ્યું છે કે 21 ડિસેમ્બરે યોજાનારી બીસીસીઆઈની બેઠકમાં તેનો ઉકેલ લાવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube