INDWvsNZW: ન્યૂઝીલેન્ડમાં મહિલા ટીમની ધમાલ, બીજી વનડે જીતી શ્રેણી કરી કબજે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 3 મેચોની વનડે સિરીઝના બીજા મેચમાં ન્યૂઝીલેન્ડ મહિલા ટીમને 8 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે તેણે યજમાન વિરુદ્ધ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
માઉન્ટ માઉગાનુઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 3 મેચોની વનડે સિરીઝની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે પરાજય આપ્યો છે. મેચમાં ભારતીય મહિલા બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા બે ઓવલ મેદાન પર ન્યૂઝીલેન્ડને 44.2 ઓવરમાં 161 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં ભારતીય ટીમે 35.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 166 રન બનાવી જીત મેળવી હતી. તે માટે સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ અણનમ 90 અને કેપ્ટન મિતાલી રાજે અણનમ 63 રન ફટકાર્યા હતા. આ સાથે યજમાન ટીમે શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. મહત્વનું છે કે, એક દિવસ પહેલા જ ભારતીય પુરૂષ ટીમે કીવી ટીમ વિરુદ્ધ 3-0ની સરસાઈ મેળવી હતી.
162 રનના આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. તેણે બે રન પર પ્રથમ ઝટકો ઓપનર જેમિમા રોડ્રિગેજના રૂપમાં લાગ્યો હતો. તેને પેટરસને કેરના હાથે કેચઆઉટ કરાવી હતી. જેમિમા ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઈ હતી. ટીમના સ્કોરમાં હજુ 13 રન જોડાયા હતા અને તહાહુએ દીપ્તિ શર્મા (8)ને આઉટ કરી હતી. આ સાથે ટીમે 15 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ કેપ્ટન મિતાલી રાજ અને સ્મૃતિ મંધાનાએ મોરચો સંભાળ્યો હતો. આ જોડીએ શરૂઆતમાં ધીમી બેટિંગ કરી પરંતુ ઝડપથી લય પકડીને ટીમને જીત અપાવી હતી. મિતાલી રાજે એમએસ ધોનીના અંદાજમાં વિજયી છગ્ગો ફટકાર્યો હતો. તે 111 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 63 રન બનાવી અણનમ રહી હતી. જ્યારે મંધાનાએ 83 બોલ પર 13 ફોર અને એક સિક્સની મદદથી તોફાની અણનમ 90 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે, પ્રથમ વનડેમાં ભારતે 9 વિકેટે જીત મેળવી હતી.
ન્યૂઝીલેન્ડની ઈનિંગનો રોમાંચ
ભારતીય કેપ્ટન મિતાલી રાજે બીજી વન-ડેમાં ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમની બોલીંગે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. અનુભવી બોલર ઝૂલન ગૌસ્વામીએ પહેલી જ ઓવરની ચોથ બોલ પર સૂઝી બેટ્સ (0)ને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી. શિખાં પાંડેએ સોફી ડેવિને (7)ને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી.
ત્યારબાદ ન્યૂઝીલેંડની કેપ્ટન એમી સ્ટાથવેટ એ ક્રીઝ પર પગલું મુક્યું. તેમણે પોતાની ટીમ તરફથી સૌથી વધુ 71 રન બનાવ્યા. તે સતત રન બનાવીને સ્કોરબોર્ડ ચાલુ રાખ્યું હતું. લોરેન ડાઉન (15) તેમનો સારો સાથ આપતી જોવા મળી હતી, તેમની 33 ના ટીમ સ્કોર પર જ એકતા બિષ્ટે ડાઉનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અમેલા કેર ફક્ત એક રન જ બનાવી શકી.
વિકેટો પડી રહી હતી ત્યારે એમી સ્ટાથવેટે સંઘર્ષ ચાલુ રાખ્યો. મેડી ગ્રીન (9)એ એમીનો સાથ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઝૂલન ગૌસ્વામીએ આ ભાગીદારીને 62 ટીમ સ્કોરથી આગળ જવા ન દીધી. ત્યારબાદ કેપ્ટને લેહ કાસ્પેરેક (21) સાથે ફરી એકવાર ટીમને સંભાળવાનો પ્રયત્ન કર્યો અને છઠ્ઠી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી. દીપ્તી શર્માએ એમીને 120ના કુલ સ્કોર પર આઉટ કરી તેની ભાગીદારી તોડી. કેપ્ટને પોતાની ઇનિંગમાં 87 બોલનો સામનો કર્યો અને નવ ચોગ્ગા ફટકાર્યા હતા.
અહીંથી બર્નાડિને બેઝુઇડેનહાઉટ (13) અને કાસ્પેરેકે ટીમ માટે રન બનાવ્યા. અંતે લી તેહુહુએ 12 રન ઉમેરી ટીમને 150 રનના સ્કોરને પાર કરવામાં મદદ કરી. ભારત માટે ઝૂલન ઉપરાંત દીપ્તી અને પૂનમે સારી બોલિંગ કરી. બંનેએ બે-બે વિકેટ પોતાના નામે કરી. શિખા પાંડેએ વિકેટ મળી.