ન્યૂઝીલેન્ડે બીજી ટી20માં ભારતને 4 વિકેટે હરાવ્યું, સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ
ભારતીય મહિલા ટીમ અને ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ વચ્ચે બીજી ટી20 મેચ અત્યંત રોમાંચક રહી હતી. અંતિમ બોલ પર કીવીએ જીત મેળવી હતી.
ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચોની સિરીઝના બીજા ટી-20માં શુક્રવારે અહીં ઈડન પાર્કમાં ભારતને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે તેણે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટી20 મેચ 23 રનથી પોતાના નામે કર્યો હતો. ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સને 62 રન ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી હતી.
ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો હતો 136 રનનો લક્ષ્ય
આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 20 ઓવરમાં 6 વિકેટ પર 135 રન બનાવી શકી હતી. ભારત તરફથી જેમિમા રોડ્રિગેજે 53 બોલમાં 72 અને સ્મૃતિ મંધાનાએ 27 બોલમાં 36 રન ફટકાર્યા હતા. પરંતુ આ બે બેટ્સમેનો સિવાય અન્ય કોઈપણ બેટ્સમેન બે આંકડાના સ્કોરમાં ન પહોંચી શક્યા. ન્યૂઝીલેન્ડ માટે રોજમૈરી મેયરે 17 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી. સોફી ડિવાઇન, એમેલિયા કેર, લેઘ કૈસપેરેકે 1-1 વિકેટ ઝડપી હતી.
અંતિમ બોલ પર કીવીએ મેળવી જીત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે મેચના અંતિમ બોલ પર વિજય મેળવ્યો હતો. તેનો સ્કોર 20 ઓવરમાં 6 વિકેટ પર 136 રન રહ્યો હતો. તેના તરફથી સૂઝી બેટ્સે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. તેણે 52 બોલની ઈનિંગમાં પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી. સૂઝી સિવાય ઓપનર સોફી ડિવાઇને 16 બોલમાં 19, એમી સૈટર્થવેટે 20 બોલમાં 23 અને કૈટી માર્ટિને 12 બોલમાં 13 રન બનાવ્યા હતા. ભારત માટે રાધા યાદવે 23 અને અરુંધતી રેડ્ડીએ 22 રન આપીને બે-બે વિકેટ લીધી હતી. માનસી જોશી અને પૂનમ યાદવને 1-1 સફળતા મળી હતી.