ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં પાંચ નવા ખેલાડીની પસંદગી, પીટર સિડલની વાપસી
ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત અરબ અમીરાતમાં બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પોતાની ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. તેણે પાકિસ્તાન સામે યોજાનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમમાં પાંચ નવા ખેલાડીઓને તક આપી છે. તેમાં પીટર સિડલને બે વર્ષ બાદ ટીમમાં પરત બોલાવવામાં આવ્યો છે.
પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ દુબઈમાં સાત ઓક્ટોબરથી અને બીજી ટેસ્ટ અબુધાબીમાં 16 ઓક્ટોબરથી રમાશે. ટિમ પેનને ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ મામલા બાદ પ્રથમ વાર ટેસ્ટ ટીમની પસંદગી કરી છે. બોલ ટેમ્પરિંગ મામલા બાદ ટીમના તત્કાલિન કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રાફ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
મેક્સવેલ અને હેડ્સકોમ્બ ટીમમાંથી બહાર
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી ટેસ્ટ શ્રેણી માટે જો બર્ન્સ, ગ્લેન મેક્સવેલ અને પીટર હૈન્ડ્સકોમ્બને ટીમમાં સ્થાન આપ્યું નથી. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંન્ને બોલરોને આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ શ્રેણી સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે.
એરોન ફિન્ચને ટેસ્ટ ટીમમાં પ્રથમ વાર મળ્યું સ્થાન
ઓસ્ટ્રેલિયાની ટીમમાં પાંચ તેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેણે અત્યાર સુધી એકપણ ટેસ્ટ મેચ રમી નથી. તેમાં 93 વનડે રમી ચુકેલા એરોન ફિન્ચને પણ સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય માઇકલ નેસેર, બ્રેન્ડન ડોગેટ, માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડને ટેસ્ટમાં પર્દાપણની તક મળી શકે છે.
ટીમ આ પ્રકારે છેઃ ટિમ પેન (કેપ્ટન), એશ્ટન અગર, બ્રેન્ડન ડોગેટ, એરોન ફિન્ચ, ટ્રેવિસ હેડ, જોન હોલેન્ડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લોબુશેન, નાથન લાયન, મિશેલ માર્શ, શોન માર્શ, માઇકલ નેશેર, મેથ્યૂ રેનશો, પીટર સિડલ અને મિચેલ સ્ટાર્ક.