લોર્ડ્સ ટેસ્ટમાં કંઇપણ ન કર્યું અને 11 લાખની કમાણી કરી ગયો આ બોલર
આ અંગ્રેજ બોલરે ન બોલિંગ કરી, ન બેટિંગ કરી, ન કેચ ઝડપ્યો અને ન કોઇ રનઆઉટ કર્યો. તેમ છતા મેચમાં કમાયો 11 લાખ રૂપિયા.
લંડનઃ ઈંગ્લેન્ડનો લેગ સ્પિનગર બોલર આદિલ રાશિદે ભારત વિરુદ્ધ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં એક અનોખો રેકોર્ડ બનાવી લીધો છે. લોર્ડ્સ ટેસ્ટ માટે રાશિદ ઈંગ્લેન્ડ ટીમની પ્લેઇંગ ઇલેવનમાં હતો.
આ ટેસ્ટ મેચમાં રાશિદે ન તો બંન્ને ઈનિંગમાં બોલિંગ કરી ન તેણે બેટિંગ કરી આ સિવાય મેચમાં એકપણ કેઝ ન પકડ્યો ન કોઇ ખેલાડીને રનઆઉટ કર્યો.
રસપ્રદ બાબત તે છે કે આ મેચમાં કંઇપણ કર્યા વિના રાશિદને મેચ ફીના રૂપમાં £12,500 એટલે કે 11,07,874 રૂપિયા મળ્યા. મહત્વનું છે કે, રાશિદ માટે આ ટેસ્ટ મેચ એક પ્રકારે સ્ટેડિયમમાં હાજર દર્શકોની જેમ રહ્યો.
હકીકતમાં પિચની પરિસ્થિતિ જે પ્રકારે સ્વિંગ બોલરો માટે અનુકૂળ નજર આવી રહી હતી તેને જોતા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને મેચમાં એકપણ વખત પોતાના સ્પિન હથિયાર આદિલ રાશિદની જરૂર ન પડી.
આદિલ રાશિદે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં કોઇપણ પ્રકારનું યોગદાન ન આપીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે આ સાથે ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેટિંગ, બોલિંગ, કેચ કે રનઆઉટનો ભાગ ન બનનાર ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો 14મો ખેલાડી બન્યો.
તે આમ કરનારો છેલ્લા 13 વર્ષમાં પ્રથમ ઇંગ્લિશ ખેલાડી બન્યો. આ પહેલા વર્ષ 2005માં સ્પિન બોલર ગૈરાથ બેટ્ટીએ પણ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.