શારજાહઃ Asia Cup 2022, BANG vs AFG: એશિયા કપ 2022ના ત્રીજા મુકાબલામાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે અફઘાનિસ્તાન સુપર-4 રાઉન્ડમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 128 રનનો લક્ષ્ય આપ્યો હતો. તેના જવાબમાં અફઘાનિસ્તાને માત્ર 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ટીમ માટે ઇબ્રાહિમ ઝાદરાને અણનમ 42 રન બનાવ્યા હતા. જ્યારે નજીબુલ્લાહ ઝાદરાને તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે છ છગ્ગા સાથે 43 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમ માટે હઝરતુલ્લાહ ઝઝઈ અને રહમાનુલ્લા ગુરબાઝ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ઝઝઈએ 36 બોલનો સામનો કરતા 23 રન બનાવ્યા હતા. જ્યારે ગુરબાઝ 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન મોહમ્મદ નબી માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. 


અફઘાનિસ્તાન માટે ઇબ્રાહિમ ઝાદરાન અને નજીબુલ્લાહ ઝાદરાને શાનદાર પ્રદર્શન કર્યું. ઇબ્રાહિમે 41 બોલનો સામનો કરતા અણનમ 42 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં ચાર બાઉન્ડ્રી સામેલ રહી હતી. જ્યારે નજીબુલ્લાહે માત્ર 17 બોલનો સામનો કરતા 6 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી અણન 43 રન બનાવ્યા હતા.


આ પહેલા બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 127 રન બનાવ્યા હતા. ટીમ માટે મોસાદિક હુસૈને 31 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં ચાર ફોર અને એક સિક્સ સામેલ હતી. મોહમદુલ્લાહે 25 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન અફઘાનિસ્તાન માટે રાશિદ ખાન અને મુઝીબ ઉર રહમાને 3-3 વિકેટ ઝડપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube