ENGW vs SAW: ઈંગ્લેન્ડને હરાવી પ્રથમવાર વિશ્વકપની ફાઇનલમાં પહોંચ્યું આફ્રિકા, હવે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર
મહિલા ટી20 વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ ઈતિહાસ રચી દીધો છે. આફ્રિકાની મહિલા ટીમે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવી પ્રથમવાર વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે ફાઇનલ રમાશે.
કેપટાઉનઃ England Women vs South Africa: વિમેન્સ મહિલા ટી20 વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 6 રને હરાવી ફાઇનલમાં પાક્કી કરી લીધી છે. જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયાએ મહિલા વિશ્વકપના પ્રથમ સેમીફાઇનલમાં ભારતને પાંચ રને હરાવી ફાઇનલની ટિકિટ બુક કરાવી તી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા બંને ઓપનિંગ બેટરોની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે ધમાકેદાર શરૂઆત બાદ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 158 રન બનાવી શકી હતી. આફ્રિકાની ટીમ પ્રથમવાર કોઈપણ વિશ્વકપના ફાઇનલમાં પહોંચી છે.
સાઉથ આફ્રિકા દ્વારા પ્રાપ્ત લક્ષ્યના જવાબમાં ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટરોએ જબરદસ્ત શરૂઆત કરી. વ્યાટ અને સોફિયા વચ્ચે પ્રથમ વિકેટ માટે 53 રનની ભાગીદારી થઈ. એલિસ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ હતી. ત્યારબાદ ડેનિયલ વ્યાટ પણ 34 રન બનાવી આઉટ થઈ હતી. નેટ સીવર અને કેપ્ટન હેધર નાઇટ વચ્ચે ચોથી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી થઈ, પરંતુ સીવર 40 રન બનાવી આઉટ થઈ હતી. ત્યારબાદ કેપ્ટને મોર્ચો સંભાળ્યો પરંતુ તે જીત અપાવી શકી નહીં. ટીમને અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી, પરંતુ માત્ર છ રન બન્યા હતા.
આ પણ વાંચોઃ IND vs AUS: ઈન્દોર ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાનો મોટો નિર્ણય, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
આ પહેલાં ઓપનિંગ બેટર લૌરા વોલફાર્ટ અને તાઝમિન બ્રિટ્સની અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ મહિલા વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ શુક્રવારે ચાર વિકેટ પર 164 રન બનાવ્યા. વોલફાર્ટ 44 બોલમાં 53 રન બનાવી અને બ્રિટ્ઝ 55 બોલમાં 68 રન બનાવી આઉટ થઈ હતી. આ બંનેએ પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.
ઈંગ્લેન્ડ તરફથી સ્ટાર સ્પિનર સોફી એક્લેસ્ટોને ચાર ઓવરમાં 22 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. વોલફાર્ટે સતત બીજી અડધી સદી ફટકારી. આ 23 વર્ષીય ખેલાડીએ પોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. આફ્રિકાની ઓલરાઉન્ડર મારિઝાન કેપે અણનમ 27 રન ફટકાર્યા હતા. કેથરીન સીવર બ્રંટે ઈનિંગની છેલ્લી ઓવરમાં 18 રન આપ્યા હતા. આફ્રિકાએ અંતિમ છ ઓવરમાં 66 રન ફટકાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube